લીલા પરિવર્તનના એજન્ટો: ગુજરાતના મીઠા ખેડૂતો અનૌપચારિક કામદારો માટે સ્વચ્છ અને ન્યાયી ભવિષ્યનો સંકેત આપે છે

26 June 2025

by Oliver Gordon

20 minute read

ગુજરાતના મીઠાના અગરોમાં, ભારતની અદ્રશ્ય એવી મહિલાકામદારો એક અણધારી હરિયાળી ક્રાંતિનુ સૂકાન સંભાળી રહી છે. ટ્રેડ યુનિયન – કામદારો ના સંગઠન સેવાની મદદથી, હજારો અનૌપચારિક અગરિયાઓ ડીઝલ પંપને બદલે સૌર ઊર્જા વાપરી રહ્યાં છે – કાર્બન નુંઉત્સર્જન ઘટાડી રહ્યા છે, આવક વધારી રહ્યા છે અને સાબિત કરી રહ્યા છે કે નેટ ઝીરોની શરૂઆત વિશ્વના એવા ખૂણેથી થઇ શકે છે જે હાંસિયામાં સૌથી વધુ અંદર ધકેલાયેલો હોય. અથવા તો તેમની ગણના જ નથી.


આજે રાત્રે જમવા બેસો અને જમવામાં મીઠું ઉમેરવા માટે સૉલ્ટ શેકર ઉપાડો ત્યારે જરા વાર થોભીને મીઠાના સફેદ બારીક કણોને જરા ધ્યાનથી જુઓ. મીઠાના એ કણ તેના એક એવા અંતિમ તબક્કાનું પ્રતિનિધિત્વ કરે છે, જેની સફર જે દુનિયામાંથી થઇ તે બહુ જ આકરી અને માફ ન કરી શકાય એવા સંજોગોથી ભરેલી છે – જેને ભાગ્યે જ કોઈએ જોઈ હશે. 

પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગરમાં આવેલા મીઠાના ઉબડખાબડ અગરમાંથી આ કણ તમારા સુધી પહોંચ્યા છે. મંગુબેન ધીરુભાઈ જગાનો જેવો પરિવાર છે એવા કેટલાય પરિવારો, પેઢી દર પેઢીથી 45 ડિગ્રીના ધોમધખતા, આંખે અંધારા લાવી દે તેવા તાપમાં સવારથી સાંજ મહેનત કરીને વિશ્વના એવા ખનીજનું ઉત્પાદન કરે છે જે સૌથી જરૂરી હોવા છતાં ય નહીં જેવા મૂલ્યનું ગણાય છે. આટલું ઓછું હોય એમ પર્યાવરણમાં આવતા ફેરફારોને કારણે અહીં કામ કરનારાઓનું જીવન વધુ કઠોર બની રહ્યું છે. 

મંગુબહેન ધીરુભાઇ જાગા, સુરેન્દ્રનગરનાં 26 વર્ષીય મીઠાના અગરમાં શ્રમજીવી. (સૌજન્ય: ઓલિવર ગોર્ડન / આઇએચઆરબી)

માટીના મોટા લંબચોરસ અગરમાં કહે છે તેમાં -  ઉકળી રહેલા ખારા પાણીની બાજુમાં બેઠાં બેઠાં મંગુબહેન જસ્ટ સ્ટોરીઝની ટીમને કહે છે, “અહીં તો મીઠું જ સર્વસ્વ છે.” તો પોતાના હાથમાં ખોબો ભરીને કુદરતની કરામત જેવા ભૌમિતિક આકારના મીઠાના ચોસલાં ઉપાડે છે.  તેમનો ચહેરો એ ચોસલાની ચમકથી બચવા માટે પાતળા કપડાંથી ઢંકાયેલો છે. તે કહે છે, “અમે ઑફિસ નથી જતાં. આ”, - તે ચમકતા રણ તરફ ઇશારો કરીને કહે છે  - અમારી ઑફિસ છે. જમીન સાવ સુકીભઠ છે, ભાંગેલા પોર્સેલિન જેવી તિરાડોવાળી; પણ દૂર દૂર સુરખાબ એવી જમીન પર ચાંચ મારી રહ્યા છે જ્યાં પૂરનાં પાણી ફરી વળ્યાં છે, આ અગરિયાઓ માટે અપશુકનિયાળ સંકેત છે – વરસાદ પડે તો તાજગીભરી રાહત થાય એ ખરું પણ વહેલો વરસાદ મીઠાના પાકને રોળી નાખશે.

મીઠના અગર પાસે પાસે ધૂળ ખાતો, મુંગોમંતર થઇ ગયો હોય એવો એક ડીઝલ પંપ છે – એક સમયે પ્રક્રિયામાં બહુ જરૂરી ગણાતો – તે સ્ત્રીઓ માટે શ્રાપ અને આશીર્વાદ બંન્ને છે – એટલું જ નહીં પણ તે ભારતના શૂન્ય સંક્રમણ પર બોજ બનનારા કાર્બન ઉત્સર્જનનો એક જોખમી સ્રોત પણ છે. “અમે જે પણ કમાતા તે બધું જ ડીઝલ અને રિપેરિંગમાં ખર્ચાઈ જતું,” મંગુબહેન કહે છે. તે યાદ કરે છે કે સિઝનની અધવચ્ચે એન્જિન બગડી જતું, બેલ્ટ તુટી જતો અને તેમણે દિવસો સુધી નજીકના ગામેથી મિકેનિક આવીને તેનું સમારકામ કરે તેની રાહ જોવી પડતી. “એક વર્ષે તો દસ દિવસ સુધી પંપ ચાલુ ન થયો. અમારો ઘણો બધો સમય અને આવક અમે ગુમાવ્યાં.”

વિશ્વમાં મીઠાના સૌથી મોટા ઉત્પાદક દેશોની યાદીમાં ભારત ત્રીજા ક્રમાંકે છે, તેમાંથી 80 ટકા મીઠું ગુજરાતના આંતરિયાળ પ્રદેશમાં આવેલા મીઠાના અગરોમાંથી આવે છે. અહીં કામ કરનારાઓમાં મોટા ભાગે મંગુબહેન જેવી સ્ત્રીઓ છે પણ દાયકાઓ સુધી તેમની આ કમરતોડ મહેનત માટે તેમને સાવ નજીવું મહેનતાણું મળ્યું છે;  શોષણખોર વચેટિયાઓ તેમને માથે સિઝનની શરૂઆતમાં મોંઘા ભાવે ડીઝલ ખરીદવા બળજબરીથી લોન નાખે અને પછી તેમણે બનાવેલું મીઠું સાવ સસ્તામાં વેચવાની તેમને ફરજ પાડે છે. 

માત્ર 26 વર્ષની વયે મંગુબહેને દસકાથી વધારેની સમય મીઠાના અગરોના કપરાં સંજોગોમાં પસાર કર્યા છે. દર વર્ષે તે અને તેમનો દસ જણાંનો પરિવાર પોતાના ગામથી ચાળીસ કિલોમીટર દૂર રણમાં આવી જાય છે, અહીં તે છાપરામાં રહે છે – લાકડાં અને તાડપત્રીથી બનેલું કામચલાઉ છાપરું – જ્યાં તે આગલા આઠ મહિના રહે. સ્ત્રીઓ છાપરામાં અંદર સુએ અને પુરુષો ખુલ્લા આકાશ નીચે. તેમનો દિવસે સવારે સાત વાગે બાજરીના રોટલા અને કાળી ચાના નાસ્તાથી શરૂ થાય. એ પછી તે સીધા ખારા પાણીમાં જ ચાલ્યા જાય – લાઇનિંગનું સમારકામ, ટપકતી પાઇપો ઠીક કરવી, પાણીનું સ્તર ચકાસતા રહેવું, ખુલ્લા પગે મીઠું ટીપવું અને દબાવવું જેથી સરસ એક સરખા કણ બને. બપોરે તે દાળ-ભાતનું સાદું જમણ કરવા થોડો વખત થોભીને ફરી મીઠાના અગરમાં ત્યાં સુધી કામ કરવા ચાલ્યા જાય જ્યાં સુધી આકાશમાં તારલા ન ચમકવા માંડે. 

અહીંયા ક્યાંય સતત આવતું પાણી નથી, વીજળી નથી કે નથી છાંયો. “અમે આખો દિવસ ખારા પાણીમાં પગ રાખીને જ કામ કરતા હોઈએ,” તે કહે છે.  “જ્યારે વિયાં ફાટે કે કાપા પડે ત્યારે બહુ બળે. પણ બીજો કોઈ છૂટકો નથી – તમારે કામ કરતા રહેવું પડે.” મંગુબહેનનાં હાથ મીઠાને લીધે સફેદ રંગાયેલા છે – હાથ ધોવા માટેનું પાણી બહુ કિંમતી છે કારણકે પાણી માત્ર પીવા જેટલું જ મળે છે અને એ પણ પુરતું નથી હોતું. રણમાં થોડા કલાકો પસાર કર્યા પછી તમે દરિયામાં નાહી રહ્યા હો એ રીતે તમારી ચામડી ચીકણી અને જાણે કંઇ ભરાવાથી જાડી થઇ ગઇ હોય એવી લાગવા માંડે. હવે મંગુબહેન નાહવા માટે અઠવાડિયે ઘરે જાય છે, આ સુખ – આ વૈભવ તેમને હમણાં હમણાં જ પોસાવા લાગ્યો છે. 

ખારા પાણીની અગરિયાનાં પગ અને ચામડી પર બહુ માઠી અસર પડે છે. રોજ દિવસના અંતે પગે ચોંટેલું મીઠું ધોઇ કાઢવા માટે તેમની પાસે રણમાં બહુ જ મર્યાદિત પ્રમાણમાં ચોખ્ખું પાણી હોય છે. (સૌજન્ય: ઓલિવર ગોર્ડન / આઇએચઆરબી)

પણ મોટાભાગના 200 કરોડ નોંધણી વગરના, જેમની પર કોઈ કરવેરો નથી એવા અને સાવ અસુરક્ષિત કામદારો જે દુનિયાના અસંગઠિત અર્થતંત્રનો હિસ્સો છે – તેમને દરેકની હાલત આવી જ છે – ખાસ કરીને સ્ત્રીઓની. જો કે મંગુબહેનની આ પરિસ્થિતિ તાજેતરમાં જ બદલાઈ જ્યારે સેલ્ફ એમ્પ્લોઇડ વિમન એસોસિએશન/સ્વાશ્રયી મહિલા સેવા સંઘ( SEWA - સેવા), જે એક કામદાર સંગઠન કે ટ્રેડ યુનિયન છે જે આખા ભારતના અનૌપચારિક ક્ષેત્રમાં નીચી આવકે, સ્વતંત્ર રીતે કામ કરતી સ્ત્રીઓના અધિકારોની હિમાયત કરે છે – તે સંગઠને કેટલા સરળ પણ મજબૂત પ્રશ્નો ખડા કર્યા: જો આ અગરિયાઓ પાસે એવી ઊર્જા હોય જે તેમના મીઠાના ઉત્પાદનને તાકાત પુરી પાડે અને જેની તકનિક તેઓ પોતે જ સાચવી શકે તેવી હોય તો? અને જો તે ઊર્જા બહેનો અને પર્યાવરણ બન્ને માટે ચોખ્ખી અને સ્વસ્થ હોય તો? 

મીઠું પકવવાની પ્રક્રિયામાં જમીન નીચેના ભંડારમાંથી ખારું પાણી પંપ કરીને તેને ક્રમશઃ વધુ ખારાશવાળા અગરમાં છોડવામાં આવે છે. આ અગરને સતત ખોતરવામાં અને દબાવવામાં આવે છે જેથી વેચાણ માટે યોગ્ય આકારના મીઠાના સ્ફટિકો તૈયાર થાય. (સૌજન્ય: ઓલિવર ગોર્ડન / આઇએચઆરબી)

છેલ્લા એક દાયકામાં સેવા અને મીઠા કામદાર બહેનો ના એસોસીએશન દ્વારા અગરિયાઓએ ધીમી પણ મક્કમ ગતીએ તેમના ડીઝલથી ચાલતા પંપને સૌર ઊર્જાથી ચાલે એવા અને એટલું જ કામ આપતા પંપથી બદલ્યા છે. આ પરિવર્તન સાથે તેમને હરિયાળા કૌશલ્યની વિગતવાર તાલીમ પણ અપાય છે અને સાથે અગ્રણી નાણાંકિય યોજનાથી આર્થિક ભંડોળ પણ પુરું પડાય છે. આમ થવાથી ઉત્સર્જન અને ખર્ચ ઘટ્યાં છે અને સ્ત્રીઓને પોતાના આર્થિક ભવિષ્ય પર નિયંત્રણ મળ્યું છે. “હવે અમે ડીઝલ પર ખર્ચો નથી કરતા, બચત કરીએ છીએ, સઘળાં નિર્ણયો સાથે મળીને લઈએ છીએ.” મંગુબહેન કહે છે,  “પહેલાં અમને લાચારી લાગતી હતી અને હવે અમને ગર્વ અનુભવાય છે.”

દૂર ક્ષિતિજ પર પાડોશીના ડીઝલ પંપમાંથી કાળા ધુમાડાના ગોટા નીકળ્યા કરે છે. પણ અહીં બે નાનકડી સૌર પૅનલ આકાશ તરફ ઝૂકેલી છે, ન તો તેમાંથી કોઈ અવાજ આવે છે કે ન ધુમાડો નીકળે છે. માત્ર સૂર્યમાંથી સતત ઝીલાતી, ખાતરીપૂર્વકની ઊર્જા મળે છે.

હવે અમે ડીઝલ પર ખર્ચો નથી કરતા, બચત કરીએ છીએ, સઘળાં નિર્ણયો સાથે મળીને લઈએ છીએ. પહેલાં અમને લાચારી લાગતી હતી અને હવે અમને ગર્વ અનુભવાય છે.

ખરેખર, આ ચંદ્રની સપાટી જેવી દેખાતી ઉજ્જડ જગ્યાએ, જ્યાં વિશ્વનો સૌથી કઠોર ઉદ્યોગ ચાલી રહ્યો છે ત્યાં શાંતિથી, કોઇપણ ઉહાપોહ વગર એક ક્રાંતિ થઈ રહી છે – એવી ક્રાંતિ જેના કારણે આપણે શૂન્ય ઉત્સર્જન અંગે જે રીતે વિચારીએ છીએ તે ધરમૂળથી બદલાઇ શકે છે, અને ખાસ કરીને, વિશ્વમાં ચાલતી શેડો ઇકોનોમી – એટલે કે વિશ્વના સત્તાવાર અર્થતંત્રની સમાંતર ચાલતી ગેરકાયદે આર્થિક પ્રવૃત્તિ – માં મૂળભૂત માનવ, જાતિ અને કામદારો ના અધિકારોને સાકાર કરવા, જાળવવા. આખી દુનિયામાં કામ કરતા હજારો-લાખો અગરિયા – અનૌપચારિક અને ખાસ કરીને કાર્બન સઘન એટલે કે કાર્બન ઉત્સર્જનને મામલે અસંવેદનશીલ ક્ષેત્રોમાં કામ કરતી સ્ત્રીઓને – સેવાનું બિઝનેસ મોડલ પર્યાવરણ તરફી પહેલ માટે બહુ ઓછા વપરાતા ઊર્જા સ્રોતને પ્રોત્સાહન આપે છે – સ્ત્રીઓ. 

મેરી રોબિન્સન જે ભૂરપૂર્વ આઇરિશ પ્રમુખ અને યુએન માનવાધિકાર કમિશનર તથા સ્ત્રીઓ દ્વારા સંચાલિત ક્લાઇમેટ જસ્ટિસ ચળવળ – પ્રોજેક્ટ ડેન્ડલિયનના સહ-સ્થાપક અને સેવાના નજીકના ભાગીદાર છે તે કહે છે કે, “આ ખરેખર એક ન્યાયી રીતે થયેલા બદલાવનું સૌથી અદભુત ઉદાહરણ છે. બળદથી લઇને ડીઝલ અને ત્યાંથી સૌર ઊર્જા સુધી – તમામની માલિકી પણ સ્ત્રીઓની છે અને સંચાલન પણ સ્ત્રીઓ જ કરે છે. આ એક દુર્લભ, અને સંપૂર્ણ વાત છે – એવી વાત જેમાંથી આખા વિશ્વએ શીખવું જોઇએ.”

અગરિયા પરિવાર વર્ષના આઠ મહિના રણમાં બનેલ કામચલાઉ ઝૂંપડાઓમાં રહે છે. (સૌજન્ય: ઓલિવર ગોર્ડન / આઇએચઆરબી)

શોષણનું ચક્ર

હજારો વર્ષોથી મીઠું ભારતની સંસ્કૃતિ અને અર્થતંત્રનો અભિન્ન હિસ્સો રહ્યું છે. સેવાનાં ડિરેક્ટર રીમા નાણાવટી કહે છે, “અહીં તેને જીંદગીનો રસ – સબરસ – પણ કહેવાય છે. દિવસ સારો જાય એટલે લોકો સૂર્યોદય પહેલાં મીઠું ખરીદે છે.” અને છતાં પણ વર્ષે 30 મિલિયન ટન મીઠાનું ઉત્પાદન કરતો મીઠા ઉદ્યોગ વિશ્વનો એવો ઉદ્યોગ છે જેમાં કુદરતી સ્રોતને સામે કંઇપણ આપ્યા વિના સૌથી વધુ મેળવાય છે, તેમાં અસમાનતા છે અને તે પેઢીઓથી વ્યવસ્થિત શોષણ અને અવગણનાને આધારે ઘડાયો છે. 

આ ખનિજ એટલે કે મીઠું ભારતના સામ્રાજ્યવાદી ઈતિહાસ સાથે પણ જોડાયેલું છે. 1930માં અંગ્રેજોએ લાદેલા દમનકારી મીઠા કર સામે ગાંધીજીએ દાંડી કૂચ – મીઠા કૂચ કરી હતી જે દેશના સ્વાતંત્ર સંગ્રામમાં વિરોધની એક ખાસ ક્ષણ બની ગઈ. “ગાંધીજીએ ખાસ કરીને મીઠાની પસંદગી કરી કારણકે તે એક સાધારણ વસ્તુ છે અને તેનું ઉત્પાદન સૌથી વધુ સંવેદનશીલ અને ગરીબ કામદારો દ્વારા કરવામાં આવે છે,” તેમ નાણાવટીએ જણાવ્યું. 

રીમા નાણાવટી, ડિરેક્ટર – સેવા ((સૌજન્ય: ઓલિવર ગોર્ડન / આઇએચઆરબી)

ગુજરાતામાં ખાસ કરીને કચ્છ અને બનાસકાંઠાના સુકાભઠ આંતરિયાળ વિસ્તારોમાં આ ઉદ્યોગ પર હજી પણ નાના પાયે અનૌપચારિક અગરિયાઓનું પ્રભુત્વ છે. તેઓ મીઠું પકવવા માટે ખોદેલી જમીનમાં બનાવેલા ચોકઠાંમાં ખારા પાણીને ઉકાળી તેનું બાષ્પીભાવન કરવાની પરંપરાગત તકનીકનો ઉપયોગ કરે છે, તેમની પાસે ટૅક્નોલૉજી કે આર્થિક સવલતો મર્યાદિત છે. 

ગાંધીજીએ ખાસ કરીને મીઠાની પસંદગી કરી કારણકે તે એક સાધારણ વસ્તુ છે અને તેનું ઉત્પાદન સૌથી વધુ સંવેદનશીલ અને ગરીબ કામદારો દ્વારા કરવામાં આવે છે.

દર વર્ષે ઑક્ટોબરથી જૂનમાં અગરિયાઓ જેમાં સતત ક્ષાર વધતો રહ્યો છે મીઠાના પાટામાં ખારું પાણી પંપ કરે છે. રણનો તાપ તેને સૂકવીને મીઠામાં ફરેવે છે જેને અગરિયાઓ સતત દાબતા રહે, ઘસતા રહે જ્યાં સુધી તેના ચોક્કસ આકારના સ્ફટીક જેવાં ચોસલાં ન થઇ જાય. ત્યાર બાદ તેઓ મીઠાના આ પાકને સ્થાનિક વ્યાપારીઓને વેચે (મોટે ભાગે રાજસ્થાન અને મારવાડ પ્રદેશના મધ્યસ્થી જેવા ખરીદદારો) જે તેને રસ્તા કે રેલ વાટે પ્રોસેસિંગની સવલત હોય ત્યાં પહોંચાડતા હોય છે. ટાટા સોલ્ટ જેવી કંપનીઓ ત્યાર બાદ આ મીઠાને ધોઈને, પીસીને અને તેને શુદ્ધ કરીને વિવિધ બજારો માટે તેનું પૅકેજિંગ કરે છે. નિકાસ માટે મીઠું ભારતીય બંદરો પર પહોંચીને કાર્ગોના જહાજોમાં ભરાઇને દરિયા પાર જાય છે અને બીજા દેશોના વિતરણના માળખામાં આયાતકારો અને જથ્થાબંધ વેપારો મારફતે પ્રવેશે છે. આખરે તે સુપરમાર્કેટની છાજલીએ પહોંચે છે જ્યાંથી ઘરાકો મીઠું ખરીદી પોતાના રસોડા અને ડિનર ટેબલને સજ્જ કરે છે.

ઐતિહાસિક રીતે અગરિયાઓ પહેલાં તો ભૂગર્ભ જળાશયોમાંથી ખારા પાણીને ખેંચી લેવા માટે બળદો પર આધાર રાખતા. પણ છેલ્લા 60 વર્ષથી આ કામ મોટેભાગે ડીઝલથી ચાલતા પંપથી થતું આવ્યું છે, જે મોંઘા પણ છે અને પર્યાવરણ માટે પણ નુકસાનકારક છે. પર્યાવરણના પરિવર્તનની હાનિકારક અસરોનો સામનો કરી રહેલા પ્રદેશમાં, વધતા તાપમાન અને હવામાનની આકરી પરિસ્થિતીઓને કારણે આ પંપ અગરિયાઓનું જીવવું વધુ મુશ્કેલ કરી રહ્યા છે. 

મીઠું પકવવાની આઠ મહિનાની સિઝન દરમિયાન અગરિયાનો પરિવાર તેમના પંપને પાવર આપવા માટે લગભગ 1300 લિટર ડીઝલનો ઉપયોગ કરશે. માત્ર કચ્છના રણમાં જ 43000 પરિવારો દ્વારા વર્ષે 56 મિલિયન લિટર ડીઝલનો કરાતો ઉપયોગ અંદાજે 1,15,000 મેટ્રિક ટન CO2 (કાર્બન ડાયોક્સાઇડ) ઉત્સર્જન માટે જવાબદાર છે. આ પ્રદૂષણ માત્ર પર્યાવરણની ચિંતા નથી પણ સ્વાસ્થ્યનો પ્રશ્ન પણ છે. કામદારો આકરું કામ કરતી વખતે આ ઝેરી ધુમાડાને શ્વાસમાં લે છે જેને પરિણામે તેમનામાં નિયમિતપણ શ્વાસને લગતી બિમારીઓ જોવા મળે છે., નેચરલ રિસોર્સ ડિફેન્સ કાઉન્સિલ (NRDC)ના ભારતીય સિનિયર ડિરેક્ટર સમીર કવાત્રા - જે સેવાના મીઠાના કાર્યક્રમના ચાવીરૂપ ભાગીદાર છે તેમનું કહેવું છે કે, “ડીઝલ પર નભતા કામદારો માત્ર આર્થિક રીતે ભાંગી પડે છે એટલું જ નથી પણ તેમના સ્વાસ્થ્ય પર પણ જીવનું જોખમ આવી શકે તેવી કાયમી અસર પડે છે.” “પર્યાવરણને ચૂકવવી પડતી કિંમત તો હિમશીલાની ટોચ સમાન છે પણ આ પરિવારોનો જે અદ્રશ્ય રીતે ભોગ લેવાય છે તેની કોઇને ખબર નથી પડતી.”

ભૂગર્ભ જળ સુધી પહોંચવા માટે અગરિયા સૂકી જમીનમાં 30 ફૂટ સાંકડા ખાડા ખોદે છે. ખાડો ખોદાય ત્યારે તેઓ દોરડું બાંધીને નીચે ઉતરે છે, રખે કાર્બન મોનોક્સાઇડ લીક થાય અને તેઓ બેભાન થઇ જાય તો તેમને સલામત સ્થળે ખેંચી જઇ શકાય – આમાં દર વર્ષે કેટલાક તો મોતને ભેટે છે. મંગુબહેન કહે છે, “આ જોખમી છે પણ અમારે તો કામ કર્યા સિવાય બીજો કોઈ છૂટકો નથી.”

Some Agariyas die every year from carbon monoxide leaks when they hand-dig wells to access subterranean salt-water reservoirs. (Credit: Oliver Gordon / IHRB) 

અગરિયાઓ માટે મીઠું પકવવું એક કૌટુંબિક વ્યવસાય હોવા છતાં પણ સાંસ્કૃતિક રીતે (જે-તે સમાજની સંસ્કૃતિ અનુસાર) સ્ત્રીઓ મીઠું પકવવાનું સૌથી વધુ મહેનત માગી લે તેવું, કમરતોડ કામ કરે છે અને પુરુષો વ્યાપાર અને નાણાકીય બાબતો સંભાળે છે. આ કારણે સ્ત્રીઓને મોટેભાગે તેમના જીવનને અસર કરતી નિર્ણાયાત્મક બાબતોની ચર્ચાઓ જેમકે – મજૂરી નક્કી કરવી, આર્થિક સ્વાતંત્ર્ય અને ઊર્જાને મામલે સ્વતંત્રતાની વાત વગેરેમાંથી બાકાત રાખવામાં આવે છે.  ઘણીવાર તો તેમણે ડીઝલ ખરીદવા, વેપારીઓ સાથે વાટા-ઘાટ કરવા અને ઘરગથ્થુ નાણાં સંભાળવા માટે પણ પુરુષ મધ્યસ્થીઓ પર જ આધાર રાખવો પડે છે જેને કારણે લિંગ (જાતિ) આધારિત અસમાનતા પણ યથાવત્ રહે છે. મીઠું પકવનાર આ સ્ત્રીઓ તેનું વળતર મેળવવામાં સૌથી છેલ્લે હોય છે.

ઔપચારિક ક્ષેત્રોમાં જે શ્રમ સુરક્ષા હોય છે તે અહીં સદંતર ગેરહાજર હોય છે. આ કારણે મોટાભાગના અગરિયાઓને કામ શરૂ કરવા માટે સિઝનની શરૂઆતમાં તેમના પંપ અને ડીઝલનો ખર્ચો ઉપાડવા માટે વેપારીઓ પાસેથી કામ માટેની મૂડીની લોન લેવી પડે છે.  આ કારણે અગરિયાના નાણાંના પ્રવાહ પર વેપારીઓનું નિયંત્રણ હોય છે, અને સિઝન ખરાબ જાય તો અગરિયાઓનો પરિવાર મોટેભાગે દેવાના વિષચક્રમાં ફસાઇ જાય જે દેવાના કાયમી બંધન જેવું જ હોય છે. સેવાનાં ઉપ-પ્રમુખ હીનાબહેન દવે કહે છે, “આ સિસ્ટમ જ છેતરામણી છે. સ્ત્રીઓ પાસે કિંમતો નક્કી કરવાનો કે તેમને ક્યારે પગાર મળશે તેનો નિર્ણય લેવાનો કોઈ જ અધિકાર નથી.  સ્ત્રીઓ આકરી મહેનત કરે છે પણ તેમની કમાણી વેપારીઓની દયા પર નભે છે. બધી તાકાત તેમની પાસે જ છે.”

ગરમીમાં તપતા ક્ષિતિજ તરફ જોઇને મંગુબહેન કહે છે, “બળબળતા તાપમાં હું રોજે રોજ કામ કરતી પણ મોટાભાગના પૈસા વેપારીઓને જતા. જો મને સમયસર પૈસા મળે તો હું નસીબદાર ગણાતી.”

An Agariya family in Surendranagar. (Credit: Oliver Gordon / IHRB)

ખરેખર તો અગરિયાના પરિવારો પોતાની વાર્ષિક આવકના 40-60 ટકા ડીઝલ માટે ખર્ચે છે અને મીઠાના પ્રતિ ટન માટે માત્ર ₹150 ($2) કમાય છે – જ્યારે તેનો બજાર ભાવ ₹17,000 ($239) કરતાં વધારે છે. બાકીનો બધો લાભ એ વેપારીઓ લઇ જાય છે જેમની દેશભરમાં મીઠું વહન કરતા રેલવેના વેગન પર લગભગ ઇજારાશાહી છે. “આ એક વિષ ચક્ર છે,” ક્વાત્રા કહે છે. “એકવાર તેઓ દેવામાં ફસાય પછી તેમાંથી છૂટવું અશક્ય બની જાય છે. વેપારીઓ પાસે બધી સત્તી હોય છે, અને કામદારો, ખાસ કરીને સ્ત્રીઓ પાસે આ સ્થિતિમાં કામ ચાલુ રાખવા સિવાય ભાગ્યે જ કોઇ બીજો વિકલ્પ બચે છે.”

આ ઉદ્યોગ મોસમી હોવાને કારણે બાબત વધુ જટિલ બને છે, કારણકે સ્ત્રીઓને ચાર મહિનાની ઑફ-સિઝનમાં કામ શોધવા માટે પોતાના પરિવાર અને બાકીના સમાજને છોડીને સ્થળાંતર કરવું પડે છે. ઘણીવાર તો ગુજરાન ચલાવવા માટે વધારાનું કરજ લેવું પડે જેને કારણે તેમનું દેવું પણ વધતું જાય છે.  મંગુબહેન યાદ કરતાં કહે છે, “ઑફ-સિઝનમાં પૂરતું કામ શોધવા માટે મારા પરિવારને સંઘર્ષ કરવો પડતો. અમે વેપારો પાસેથી લોન લેતા અને જો સિઝન ખરાબ હોય તો અમે દેવું ચૂકવી ન શકતા. એ એક ક્યારેય ન અટકતું ચક્ર હતું.”

આ કામદારો ની બહુમુખી – એકથી વધુ સમસ્યાઓને સમજ્યા પછી સેવાને પણ ખ્યાલ આવ્યો કે પર્યાવરણને લગતા કોઈપણ ઉકેલમાં સામાજિક અને આર્થિક મુદ્દાઓને સમાવેશ પણ થવો જોઇએ. “અહીં મુદ્દો માત્ર ડીઝલનો ઉપયોગ ઘટાડવાનો નથી;  પણ સ્ત્રીઓ પોતાના કામ અને જિંદગીનું નિયંત્રણ પોતાના હાથમાં લે તે માટે તેમને સશક્ત બનાવવાનો પણ છે,” નાણાવટી કહે છે.

The Agariyas must endure some of the world’s toughest working conditions, with temperatures often reaching 45ªC. (Credit: Oliver Gordon / IHRB)

મહિલા કામદારો ની સત્તા – ખરા અર્થમાં

પ્રતિષ્ઠિત ભારતીય વકીલ અને સામાજિક કાર્યકર સ્વ. ઇલા ભટ્ટ દ્વારા  1972માં સ્થાપિત સેવા લાંબા સમયથી ભારતમાં લિંગ સમાનતા માટેનો અગ્રણી શક્તિ સ્રોત રહ્યો છે, અને આજે તેના દેશભરમાં 3.2 મિલિયન સભ્યો છે. મૂળે તો શહેરી ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરતા આ યુનિયને 1980ના દાયકાના ઉત્તરાર્ધમાં ગ્રામીણ વિસ્તારોમાં પ્રવેશ કર્યો. “ટેક્સ્ટાઇલ કારીગરો ઑક્ટોબરની આસપાસ ગાયબ થઇ જતા, અમને પછી સમજાયું કે તેઓ મીઠાના અગરો પર જતા,” નાણાવટી કહે છે. “આ કારણે અમે એક મહીનો તેમની સાથે રણમાં રહીને તેમની સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કર્યો અને જાણ્યું કે તેઓ મૂળ તો વેઠિયા મજૂરો ની જેમ જ હતાં. વ્યાપારીઓ અમારા વાહનોના ટાયર ફાડીને અને એવું બીજું ઘણું કરીને અમને રોકવાની પુરી કોશિશ કરી જેથી અમે આ મહિલા કામદારો ને કરીએ.”

2010માં સેવાએ અગારિયાઓ સાથે ઔપચારિક રીતે કામ શરૂ કર્યું, તેમને આરોગ્ય સેવા અને બાળસંભાળ માટેની સહાય પૂરી પાડી, પરંતુ ટૂંક સમયમાં જ સમજાયું કે વધુ મૂળભૂત પરિવર્તનોની જરૂર છે. મહિલા કામદારો સાથે એક વર્ષ સતત વાતચીત કર્યા પછી, સેવાએ સૌર ઊર્જાથી ચાલતા પંપ તરફના  સંક્રમણ (બદલાવ)ને સૌથી અસરકારક ઉપાય તરીકે પારખ્યો. " અમે બહેનો પર અમારા તરફથી કોઈ ઉકેલ લાદ્યો નહોતો,"  હીનાબહેન દવે સમજાવતાં કહે છે. "અમે ફક્ત તેમને સાંભળ્યા એમ નહીં પણ તેમની જરૂરિયાતો પણ પૂછી અને તેમણે જ પારખ્યું કે સૌર ઊર્જાથી ચાલતા પંપ જ સૌથી સારો ઉકેલ છે."

તકનીકી શક્યતા ચકાસવા, સેવાએ 2013માં 14 અગરિયા બહેનો માટે 14 સૌર પંપો સાથે પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો. સેવાના જિલ્લા સ્તરીય સંગઠને અગરિયાઓને આ ટે શૂન્ય વ્યાજે લોન આપી. આ પાયલટ પ્રોજેક્ટમાં ભાગ લેનાર બહેનોમાંથી બે જણે ફક્ત સૌર સિસ્ટમ અને 14 જણે હાઇબ્રિડ (સૌર-ડીઝલ) સિસ્ટમ વાપરી, જેમાં તેમણે ખર્ચામાં મોટો ઘટાડો નોંધ્યો. સેવાએ સ્ત્રીઓને ઉત્પાદક સહકારી મંડળીઓ (જ્યાં ઉત્પાદકો સામૂહિક લાભ માટે માલ એકત્રિત કરે છે) બનાવવામાં પણ મદદ કરી, જેથી તેઓ મીઠાના વેપારીઓ અને ફેક્ટરીઓ સાથે સારા ભાવ માટે વાટાઘાટ કરી શકે. 

અમે ફક્ત ધ્યાન આપતા નહોતા, પણ સાંભળી રહ્યા હતા.

2014માં, સેવાએ અગરિયાના તમામ પરિવારોને સોલર પંપ પહોંચાડવાની વ્યાવસાયિક યોજના બનાવવા માટે NRDC (Natural Resources Defense Council) સાથે ભાગીદારી કરી. અમેરિકા આધારિત પુનઃપ્રાપ્ય (રિન્યુએબલ) ઊર્જા કંપની SunEdisonના સહયોગથી, તેમણે કચ્છના નાના રણમાં અગરિયોમાં 200 સૌર-ઊર્જા સંચાલિત પાણીના પંપ વહેંચ્યા. આ પહેલમાં ભાગ લેનારાઓને આર્થિક, સામાજિક, પર્યાવરણીય અને વ્યાપારી ફાયદા જોવા મળ્યા, જેથી આ કાર્યક્રમના વિસ્તારને વેગ મળ્યો.

અગરિયાઓના ઉપયોગના આધારે, સેવા અને NRDCએ MIT (Massachusetts Institute of Technology)ના ઇજનેરોની મદદથી રણ માટે અસરકારક સૌર પંપોની ટેક્નિકલ જરૂરિયાતો (જેમ કે ઇલેક્ટ્રિક મૉટરનું માપ અને જરૂરી સોલર પેનલ્સ) વિકસાવ્યાં. તેમણે નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (Ministry of New and Renewable Energy - MNRE) સાથે પણ કામ કર્યું, જેથી આ જરૂરિયાતો રાજયની મૂડી સબસિડી યોજનામાં સમાવી શકાય – જે મોટી ક્ષમતાવાળા સિંચાઈ પંપો માટે હતી. આ પછી, NABARD (National Bank for Agriculture and Rural Development) સાથે વાત-ચીત કરીને, સરકારી સબસિડી ખેડૂતો સુધી પહોંચે તેની ચોકસાઇ કરવામાં આવી. વધુમાં, 2017માં ગુજરાત સરકારે મીઠું પકવવા માટે સોલર પંપ પર 80% સબસિડી જાહેર કરી. આ વિવિધ પહેલોને કારણે અગરિયાઓને માટે પંપ ખરીદવાના શરૂઆતી ખર્ચમાં ઘટાડો થયો.

SEWA’s Heenaben Dave (far left) with some Agariya women she works with in Surendranagar. (Credit: Oliver Gordon / IHRB)

જો કે અગરિયાઓને પંપ ખરીદવા માટે હજી પણ લોન લેવી પડે એમ હતું - $2,000-$2,500ની કિંમતના પંપ, તેમની માત્ર $100/મહિનાની નજીવી આવકના દાયરામાંથી બહાર હતા. નાના વ્યવસાયોને સામાન્ય રીતે સાધનો અને તકનીકી રોકાણો માટે લોન મેળવવામાં પરંપરાગત ધિરાણ કરનારાઓના જોખમના અભિગમને કારણે ઘણાં પડકારોનો સામનો કરવો પડે છે. આ કારણે સેવા અને NRDCએ સરકારી અને ખાનગી નાણાકીય સંસ્થાઓને આકર્ષિત કરવાની રીતો શોધવા આ સ્ત્રીઓ સાથે કામ કર્યું.

ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન (IFC) જેવી અગ્રણી નાણાકીય સંસ્થાઓ સાથેની ચર્ચાને કારણે સ્વચ્છ ઊર્જા માટે સ્થિર નાણાં મળતા રહે તેવી તકોને ઉજાગર કરી. આ વાતચીતને પગલે નાણાકીય સુવિધા મેળવવામાં આવતા સામાન્ય અવરોધો – જેમ કે ઓળખ અને સરનામાંના દસ્તાવેજ ન હોવા, સ્ત્રીઓમાં ઔપચારિક બેંકિંગ જરૂરિયાતો અંગેની અપૂરતી જાગૃતિ અને અગરિયાઓની મોસમી આવકને કારણે લોનની અસુવિધા જેવી સમસ્યાઓ – વગેરેને સંબોધ્યા. યોજનાના ભાગીદારોએ પણ અંતે સ્ત્રીઓ માટે ખર્ચ અને તે સાથેની લોનની રકમ ઘટાડવા માટેના ત્રણ સફળ નાણાકીય પગલાં પારખ્યાં: વેન્ડર એટલે કે વિક્રેતા નાણાકીય સહાય, મૂડી સબસિડી અનો ઓછી ખર્ચાળ લોન.

સેવાએ પોતાના સભ્યોને પાંચ વર્ષના શૂન્ય વ્યાજના હપ્તાની યોજના પર સોલર પંપ ધીર્યા; જેમાં સનએડિસેને, સેવાને શૂન્ય-ખર્ચ (ઝીરો-કોસ્ટ) વિક્રેતા નાણાકીય સહાય પર પંપ પૂરા પાડ્યા. ખેડૂતો પર બોજ ન આવે એટલે હપ્તા પણ મોસમી રાખવામાં આવ્યા – જે મીઠું પકવવાની સિઝનમાં જ ચૂકવવાના હતા. આ લોન પોસાય એવી હતી કારણકે અગરિયાના ડીઝલના પૈસા બચતા, જેનો અર્થ એમ હતો કે સમયની અવધી પુરી થાય ત્યાં સુધીમાં તો પંપ થકી જ તેની કિંમત ચૂકવાઇ જતી. 12 ટકા વ્યાજ દર સાથે હાઇબ્રિડ પંપ વાપરવાની શરૂઆત કરનારી સ્ત્રીઓ માટે ચૂકવણીનો સમયગાળો 38 મહિના જેટલો ઓછો હતો.

શરૂઆતના તબક્કે અગરિયાઓએ વિક્રમજનક રીતે સફળ ચુકવણી કરી જેનાથી સોલર પંપનું ધિરાણ કરવામાં રહેલી આર્થિક સદ્ધરતા દેખાઇ આવી. આ પછીના તબક્કામાં સેવા બેંકના ગ્રાસરૂટ ટ્રેડિંગ ફોર વિમન (GTNfW) દ્વારા સોલર પંપ માટેની નાણાકીય સહાયની સવલત આપવામાં આવી. સેવા બેંકની સ્થાપના 1974માં સહકારી બેંક તરીકે કરવામાં આવી હતી જેનો ઉદ્દેશ સેવાના સભ્યોને ક્રેડિટ પૂરું પાડી તેમનું સશક્તિકરણ કરી નાણાં ધિરનારા શાહુકારો પર તેમની નિર્ભરતા ઓછી કરવાનો હતો.

પરંતુ આ યોજનામાં વધુ કોમર્શિયલ બૅંક જોડાય એ માટે IFCએ એક મિશ્ર નાણાકીય શૈલી (ખાનગી રોકાણ આકર્ષવા માટે જાહેર મૂડી સ્ત્રોતોનો ઉપયોગ કરવાની શૈલી) બનાવી જેથી ધિરાણ પરનું જોખમ પણ ઘટ્યું. ભારતની YES બૅંકના ફિલાન્થ્રોફી (પરોપકારી) ભંડોળનો ઉપયોગ કરીને IFCએ ‘ફર્સ્ટ લૉસ ગેરંટી’ની રચના કરી જેનાથી કોઈ લોનની ચૂકવણી ચૂકી જાય – ડિફૉલ્ટ થાય તો ધિરાણ કરનારના પહેલીવારના 25 ટકા નુકસાન કવર થઇ જતું હતું. “ ‘ફર્સ્ટ લૉસ ગેરંટી’ને કારણે અમે ધિરાણ કરનારાઓને જોખમ ઘટાડવાનો ઉકેલ આપીને વિશ્વાસમાં લઇ શક્યા,” તેમ IFCના તત્કાલીન ચિફ ઇન્વેસ્ટમેન્ટ ઑફિસર અરુણ શર્માએ જણાવ્યું, જેમણે આ માળખું તૈયાર કર્યુ હતું. “દેવાદારોની ચૂકને કારણે થતા નુકસાનનું જોખમ દેખીતી રીતે ઘટ્યું,  આ કારણે સેવા બેંક અગરિયાઓને સોલર પંપ ખરીદવા માટે તેમની સામાન્ય ક્રેડિટ લિમિટથી (બૅંકોની મર્યાદા હોય છે કે તેઓ અમુક ચોક્કસ ગ્રાહક વર્ગને કેટલા પૈસા ધીરી શકે) વધુ લોન આપી શકી.”

આ પદ્ધતિએ સેવા બૅંકને 2017માં બીજા 600 સોલર પંપ માટેની નાણાકીય સહાય પૂરી પાડવામાં મદદ કરી, અને ભારતની ત્રીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બૅંક – બૅંક ઑફ બરોડા (BoB)ને અગરિયાઓને વાજબી દરે લોન આપવા માટે મનાવી લીધી. BoB અને સેવાએ મેમોરેન્ડ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર સહી કરી, જેમાં BoBએ વધુ 15,000 સોલર પંપ માટે સીધી લોન આપવાનો વાયદો કર્યો, જેથી આ પ્રોજેક્ટનો મોટા પાયે વિસ્તાર થઇ શક્યો.

Reema Nanavaty and Mary Robinson are shown the salt farming process by Agariya women in Surendranagar. (Credit: Oliver Gordon / IHRB)

સેવાને એ પણ સમજાયું કે ડીઝલના પાવરને સૌર ઊર્જાથી બદલવાથી થતા ઉત્સર્જન ઘટાડાને કારણે આ કાર્યક્રમ કાર્બન ક્રેડિટ્સ માટે પાત્ર હતો – આ એવા વ્યાપારી પ્રમાણપત્રો છે ઉત્સર્જનને ઑફસેટ કરવા માટે ઉત્સર્જનને રોકનારા અથવા વર્તમાન ગ્રીનહાઉસ ગેસ દૂર કરતો પ્રોજેક્ટ્સ દ્વારા ખરીદી કે વેચી શકાય છે.

ત્રણ વર્ષના પ્રયત્નો પછી, 2018માં ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટ્રેડિંગ પ્લેટફોર્મ પર કાર્બન ક્રેડિટ યોજના શરૂ થઈ, જેની આવકથી બહેનોને સોલર પંપ માટેની લોન ચૂકવવામાં મદદ મળી. યુએનઇપીના તત્કાલીન ઇન્ડિયા કન્ટ્રી મેનેજર અતુલ બગઈ જે આ કાર્યક્રમના બીજા મુખ્ય ભાગીદાર હતા તે કહે છે કે, "કાર્બન ક્રેડિટ્સ ગેમ-ચેન્જર સાબિત થયા. તેમણે વધારાની આવકનો સ્રોત પૂરો પાડ્યો, જેથી કાર્યક્રમની નાણાકીય સ્થિરતા જાળવવામાં મદદ મળી."

પરંતુ આખરે સેવાએ એ પણ સમજ્યું કે તેઓ ફરી પહેલાંની ભૂલનું પુનરાવર્તન કરી શકે તેમ છે;  કારણકે ડીઝલ પંપ ફિટ કરાવવા અથવા વારંવાર તૂટી જતા પંપને સમારવા માટે બહેનો પુરુષ ઇજનેરો અથવા બાહ્ય નિષ્ણાતો પર નિર્ભર હતી. આ સ્થિતિના ઉકેલ માટે, 2019માં, સેવાએ યુએનઇપી અને ઇન્ડિયાના સ્કિલ કાઉન્સિલ ફોર ગ્રીન જોબ્સની મદદથી એક કાર્યક્રમ સ્થાપ્યો જેમાં બહેનોને જ સૌર ઇજનેર તરીકે તાલીમ આપવામાં આવી, જેથી તેઓ જાતે જ પોતાની સૌર પૅનલ અને સોલર પંપ ફિટ કરી શકે અને તેની જાળવણી કરી શકે - અને વધુ અગત્યનું તો એ કે તેઓ અન્ય લોકોના સૌર ઊર્જા માળખાનું પણ ધ્યાન રાખી શકતી થઇ." બગઈ યાદ કરે છે કે, રણની વચ્ચોવચ હજારો બહેનોની સાથે નાણાવટી અને યુએનઇપીના મુખ્ય અધિકારીને MoU પર સહી કરતાં જોવાં એક અસાધારણ દ્રશ્ય હતું. "ભારતમાં સોલર ઇજનેરોની બજારમાં મોટી માંગ હતી અને અમને સમજાયું કે આ પ્રોજેક્ટ દ્વારા અમે એ જરૂરિયાત પણ પૂરી કરી શકીએ છીએ. આ એક વિન-વિન સ્થિતિ હતી: બહેનોએ નાણાકીય સ્વાતંત્ર્ય મેળવ્યું, અને પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રના વિસ્તરણને ટેકો આપવા માટે કુશળ કાર્યબળ મળ્યું."

There was huge market demand in India for solar engineers and we realised that we could also answer that need with this project."

શરૂઆતી સફળતા પછી UNEPએ નક્કી કર્યું કે આ તાલીમ સ્થાનિક પુનઃપ્રાપ્ય ઊર્જા કંપની વધુ સારી રીતે આપી શ કે અને તેમણે આ માટે ખાનગી ક્ષેત્રના ભાગીદારની શોધ આદરી. ગુજરાતમાં વ્યવસાયિક સ્તરે મજબૂત હાજરી ધરાતવી કંપની ReNew આ ચોકઠામાં સંપૂર્ણ રીતે બંધબેસે એવી કંપની હતી. આ કંપની પ્રોજેક્ટમાં જોડાઇ અને 2022માં તેમણે 1000 અગરિયા સ્ત્રીઓને સૌર ટેક્નિશ્યન તરીકે તાલીમ આપવાના ઉદ્દેશ્ય સાથે “પ્રોજેક્ટ સૂર્યા” તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો. આ પ્રોજેક્ટ ReNew ફાઉન્ડેશન દ્વારા શરૂ કરાયો હતો જેની સ્થાપના ભારતના 2014ના કાયદા પ્રમાણે હતી જેમાં કંપનીઓને કોર્પોરેટ સોશ્યલ રિસ્પોસ્નિસબિલિટી (CRS) માટે કૂલ નફાના 2 ટકા ફાવવા ફરજિયાત કરાયા હતા. જો કે કંપની એ પણ જાણતી હતી કે આ કામ વ્યવસાયિક દ્રષ્ટિકોણથી પણ આ કામ સાર્થક છે. ReNewના સહ-સ્થાપક અને ReNew ફાઉન્ડેશનના અધ્યક્ષ વૈશાલી નિગમ સિંહા કહે છે, “ReNewએ ક્યારેય નોકરી આપવાનું વચન નહોતું આપ્યું, પણ અમે જાણતા હતા કે આ ક્ષેત્રમાં કુશળતા ધરાવનારાઓની નોંધનિય માંગ છે અને માટે જ આ અંતરને, આ ખાલીપાને ભરવા પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.” તેમણે ઉમેર્યું કે, “આખા ભારતમાં  સૌર અને પવન ઊર્જાની સુવિધાઓ સાથે સ્થાનિક સ્તરે આ કામનું કૌશલ્ય ધરાવનારી પ્રતિભાઓ શોધવી એક મોટો પડકાર છે અને અમે આ પડકારને ઉકેલવા માટે સ્ત્રીઓને તાલીમ મળે અને તેઓ આ ખાલીપો ભરવા માટે મોખરે હોય તે સ્થિતિ સર્જવા માટે કટિબદ્ધ છીએ.”

મંગુબહેને 2019માં તાલીમ પુરી કરી અને હવે તેઓ એક રજિસ્ટર્ડ સૌર ટેક્નિશ્યન છે. પોતાના કુટુંબના સોલર પંપની સિસ્ટમની જવાબદારી તેમની છે અને જ્યારે તે બગડે કે તૂટી જાય ત્યારે તેને સમારવામાં તેઓ સક્ષમ છે. ઑફ સિઝનમાં તેઓ અન્ય ગામોમાં સૌર માળખું સ્થાપીને ગુજરાન ચાલાવે છે. તેઓ કહે છે, “આ પહેલાં મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે હું ટેક્નિશ્યન બની શકીશ. મીઠાના અગર જ મારી આખી જિંદગી હતી. મારે માટે આ એક બહુ મોટો ફેરફાર છે.”

સૌર ટેક્નિશ્યન તાલીમના કાર્યક્રમો સામ-સામે તાલીમ અપાય એ રીતે અને સરળ રીતે તૈયાર કરાયા છે જે કામદારોને પાયાથી શરૂ કરીને તેમની તકનીકી ક્ષમતા અને સ્વાવલંબી થવા માટે તૈયાર કરે છે.  (ક્રેડિટ: ઓલિવર ગોર્ડન / IHRB)

વળી કાર્યક્રમનો વિકાસ અહીં અટક્યો નહીં.  સેવાને એ પણ ખ્યાલ આપ્યો કે ઑફ-સિઝનમાં સ્ત્રીઓને “ઊર્જા ઉદ્યોગસાહસિક” (એનર્જી આંત્રપ્રિન્યોર્સ) બનવાની તક આપે છે. નાણાવટીએ કહ્યું કે, “અમે ઇચ્છતા હતા કે સૌર ઊર્જાની પુરેપુરી વેલ્યુ ચેન સ્ત્રીઓના હાથમાં જ હોય.” તેમણે રણના કાંઠે કામચલાઉ સોલર પાર્કના વિચારને આકાર આપ્યો જ્યાં સ્ત્રીઓ સિઝનને અંતે પોતાની વ્યક્તિગત સૌર પૅનલ લાવી, તેનું પરિવહન કરી તેને ત્યાં ફિટ - ઇન્સ્ટોલ કરી શકે. આ મોસમી સોલર પાર્ક ઑફ સિઝન દરમિયાન ગ્રીડને વેચી શકાય એ માટેની ઇલેક્ટ્રીસિટી – વિજળી ત્યાં સુધી ઉત્પન્ન કરશે જ્યાં સુધી આગલી સિઝનમાં રણમાં સૌર પેનલ્સની જરૂર ન પડે.

હીનાબહેન દવે કહે છે, “હવે ઑફ સિઝન દરમિયાન સૌર પેનલ્સ નકામી પડી નથી રહેતી. સ્ત્રીઓ તેમની પેનલ્સ ભેગી કરીને એક સહિયારો સોલર પાર્ક ખડો કરે છે અને ગ્રીડને વિજળી વેચીને એક નવો, આડકતરી આવકનો પ્રવાહ બના છે જેનો આધાર મીઠાના અગર પર નથી.”

આ કામચલાઉ સોલર પાર્ક અગરિયાઓ જ્યારે મીઠું પકવવાની મોસમ પછી પોતાના ગામડે પાછા ફરે ત્યારે તેમને આડકતરી આવકનો સ્ત્રોત મળે તે માટે રચાયેલ છે. (ક્રેડિટ: ઓલિવર ગોર્ડન / IHRB)

સેવા મોડેલ: ‘સામૂહિક ઇચ્છાશક્તિનું પરિણામ’

વર્ષો સુધી સતત ચાલતા રહેલા સુધારા અને વિકાસ પછી સહકારી માલિકી, તાલીમ અને સહિયારા સશક્તિકરણ પર આધાર રાખી તૈયાર થયેલું આ મોડેલ ધાર્યા પરિણામ આપી જ રહ્યું છે. અત્યાર સુધીમાં આખા પ્રદેશમાં 7000 સૌર ઊર્જા સંચાલિત પંપ સ્થાપિત કરાયા છે. આ કારણે અગરિયાઓને મીઠાના ઉત્પાદનથી મળતી આવકમાં 30-33 ટકાનો સરેરાશ વધારો થયો છે. જો કે સામૂહિક સોલર પાર્કથી મળતી વધારાની આવક અને સૌર ટેક્નિશ્યન તરીકે કામની તકને ગણતરીમાં લઇએ તો સ્ત્રીઓએ તેમની વાર્ષિક આવાક ₹5,000-10,000 ($58-116)થી વધારીને લગભગ ₹40,000-60,000 ($465-698) – સુધી પહોંચાડી છે - જે અંદાજે 600%નો નોંધનીય વધારો છે.

શર્મા ઉમેરે છે કે, “અને આશ્ચર્યજનક રીતે અત્યાર સુધી એક પણ ડિફોલ્ટ (દેવાની ચૂકવણીમાં ચૂક) નથી થયો. આમ તો અમે ફિલાન્થ્રોફિક ફંડ્ઝ (YES બૅંક દ્વારા પુરા પાડવામાં આવેલા 25 ટકા ફર્સ્ટ લૉસ ગેરંટીની રકમ) પહેલેથી જ ચૂકવી દીધા છે. સેવા પોતાના સભ્યોમાં એવી નિષ્ઠા અને વિશ્વાસ ઊભાં કરે છે કે આ સ્ત્રીઓ પોતાના દેવામા ડિફોલ્ટ ટાળવા માટે બનતું બધું જ કરે છે – આ ખરેખર સામૂહિક ઇચ્છા શક્તિનું એક ઉત્કૃષ્ઠ દ્રષ્ટાંત છે.”

Incredibly, there have been zero defaults so far; so we’ve already been able to repay the funds that backstopped the 25% first loss guarantee."

સેવાએ કરેલા એક વિશ્લેષણ મુજબ ડીઝલને બદલે સૌર ઈંધણના વપરાશના બદલાવથી ઈંધણ અને જાળવણી માટે બહેનોએ કરવા પડતા તમામ વહીવટના ખર્ચમાં લગભગ 60 ટકા ઘટાડો થયો છે. આ ઉપરાંત, ગોલ્ડ સ્ટાન્ડર્ડ સાથે થયેલા પંચ વર્ષિય કરારના કાર્યક્રમને પગલે 1,100 અગરિયા બહેનોએ દરેકે કાર્બન ક્રેડિટમાંથી વાર્ષિક $35-40 (₹2,600-₹3,000)ની કમાણી કરી છે, જેમાંથી 15% રકમ તેમની લોન ચૂકવવા માટે વપરાઈ છે.

સહકારી મંડળીઓ બનાવીને અગરિયાઓએ સામૂહિક ભાવ-તાલની શક્તિ પણ મેળવી જેથી વેપારીઓ સાથે સારા ભાવે વાટાઘાટો કરી શકે, તેઓ એવા તંત્રથી દૂર ગયા છે જ્યાં વેપારીઓ જ એકપક્ષીય માનસિકતાથી ભાવ નક્કી કરતા હોય છે. સેવા અનુસાર મીઠાના ભાવમાં ૨૦ ટકા વધારો થયો છે ને તે પ્રતિ મેટ્રિક ટન ₹120 થયો છે.

મીઠું પકવવાની દરેક સીઝનના અંતે, અગરિયાઓ તેમની સૌર પેનલ્સને ધ્રાંગધ્રા નજીકના એક સ્થળે લઈ જાય છે, જ્યાં તાલીમ પામેલા અગરિયા સૌર ટેક્નિશિયન્સ તેમને સીઝનલ સોલર પાર્ક તરીકે ઇન્સ્ટોલ કરે છે. (ક્રેડિટ: ઓલિવર ગોર્ડન / IHRB)

સેવાએ એ પણ જાણ્યું કે તેમના કાર્યક્રમમાં ભાગ લેતી 70 ટકા બહેનો પોતાનાં બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્યને સુધારવા માટે તેમની વધારાની આવકનું રોકાણ કરી શકી છે. મંગુબહેન કહે છે, “અમે હવે ખર્ચાની ચિંતા કર્યા વિના અમારા બાળકોને શાળાએ મોકલી શકીએ છીએ.”

મંગુબહેનને સોલા પંપો તેમના ડીઝલથી ચાલતા જૂના પંપ કરતાં વધુ સક્ષમ લાગ્યા છે. પરિણામે તેમણે પહેલાં સોલર પંપ પરની લોન ચૂકવી દીધી છે અને હવે વધુ ત્રણ પંપ ખરીદ્યા છે, તેઓ હવે સતત ચાર પંપ ચલાવે છે – જે પહેલાં ક્યારેય શક્ય નહોતું. સોલર પંપ વાપરવાની શરૂઆત થઇ તે પહેલાં તેમનો પરિવાર દર વર્ષે 600-650 ટન મીઠું પકવતો. નવી તકનીક અપનાવ્યા પછી તેમનું ઉત્પાદન બમણું, અંદાજે 1100 ટન થઇ ગયું છે.

તે હવે દર સીઝનમાં ₹2 લાખ ($2,329)થી વધુની બચત કરે છે. આ બચતે તેમના પરિવારને લોન ચૂકવવામાં, વધારાના ત્રણ પંપ, ટ્રેક્ટર અને મોટરસાઇકલ ખરીદવામાં, બે મકાનો બાંધવામાં, મંગુબેનનાં ભત્રીજા-ભત્રીજીઓની શિક્ષણ ફી ભરવામાં, લગ્ન જેવા સામાજિક ઉત્સવોમાં ભાગ લેવામાં અને તેમના સામાન્ય જીવનની ગુણવત્તા સુધારવામાં મદદ કરી છે. "સોલર પૅનલ્સ પહેલાં, અમે ગુજરાન ચલાવવા સંઘર્ષ કરતાં હતાં, અને ઑફ-સીઝન અત્યંત કપરો સમય રહેતો. હવે, માત્ર ડીઝલના પૈસા બચે છે એમ નથી, પણ હું સોલર પાર્ક અને મારી સોલર અંગેની કુશળતાથી પણ કમાણી કરું છું. મારી મીઠાની આવક લગભગ 30% વધી છે, અને હવે હું મારા પરિવારના ભવિષ્ય માટે બહેતર આયોજન કરી શકું છું."

Tractors are essential for transporting salt and solar panels to and from the desert. (Credit: Oliver Gordon / IHRB)

સરેરાશ, દરેક સોલર પંપ વર્ષે 2.7 ટન CO2નું ઉત્સર્જન ઘટાડે છે. આમ અત્યાર સુધી લગાડાયેલા 7,000 પંપો દર વર્ષે 18,900 ટન CO2નું ઉત્સર્જન ઘટાડે છે - જે રસ્તા પરથી 4,000 કાર દૂર કરવા જેટલું છે. આ ઉપરાંત, સોલર પાર્કમાં 2.7 મેગાવોટ પુનઃપ્રાપ્ય વીજળી ઉત્પાદનની ક્ષમતા છે. "ડીઝલનો બોજ ઘટાડવાની શરૂઆત હવે એવા મોડલમાં વિકસી છે જે  ફક્ત પૈસા બચાવે છે એમ નથી, પણ આપણા પર્યાવરણીય પગલાં પણ ઘટાડે છે," તેમ રીમા નાણાવટી કહે છે.

પ્રોજેક્ટના પરિણામે 1 લાખ લિટર ડીઝલની બચત થઈ છે, જેનો અર્થ છે પ્રદૂષણ ઘટ્યું છે અને અગરિયાઓના આરોગ્ય પરના જોખમમાં નોંધનીય ઘટાડો થયો છે. મંગુબહેન જણાવે છે કે, "હું જ્યારે ડીઝલ પંપ વાપરતી, ત્યારે ધુમાડાને કારણે મારી છાતીમાં દુખાવો થતો. હવે તે દિવસો પાછળ રહી ગયા છે એ જાણી મને ખૂબ રાહત મળે છે."

પરંતુ બહેનો માટે આ પ્રોજેક્ટની અસર માત્ર આર્થિક કે પર્યાવરણીય કરતાં ક્યાંય વધુ ઊંડી રહી છે. ઘણા માટે આ પ્રોજેક્ટને કારણે મળેલી સ્વાયત્તતા અને સ્વતંત્રતાએ તેમની પારિવારિક અને સામાજિક ભૂમિકાઓમાં મૂળભૂત ફેરફાર કર્યો છે. મંગુબહેન માટે, આ કારણે નાણાકીય સ્વાતંત્ર્યની નવી ભાવના વિકસી છે.  તેઓ કહે છે, "પહેલાં હું પૈસા ખર્ચવા માટે પરવાનગી માંગતી. હવે હું સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકું છું. મારે કોઈની પરવાનગી લેવી પડતી નથી, અને આ મને સશક્ત બનાવે છે." તેણી કહે છે.

સેવામાં ત્રણ વર્ષ પહેલાં જોડાયેલી 21 વર્ષની યુવાન અગરિયા પાયલ ધરમસીભાઈ મેટાલિયા ફૂલટાઇમ સોલર ઇજનેર તરીકે તાલીમ લઈ રહી છે તેને માટે આ વધારાની આવક અને તેને આ કારણે મળેલી સ્વાયત્તતાએ પરિવારમાં રહેલું શક્તિ-સંતુલન બદલી નાખ્યું છે. આથી બહેનો હવે એવા નિર્ણયો લઈ શકે છે જે પહેલાં તેમની પહોંચથી દૂર હતા, જેમાં ઘરગથ્થુ સંસાધનોની ફાળવણી કેવી રીતે કરવી અને તેમના બાળકોના ભવિષ્યમાં આર્થિક રોકાણ કેવી રીતે કરવું તેવી બાબતોનો સમાવેશ થાય છે.  તે કહે છે, "સેવામાં જોડાતાં પહેલાં અમને ઘરમાં મદદગાર તરીકે જોવામાં આવતા, પણ હવે અમને ફાળો આપનારા તરીકે જોવામાં આવે છે. હું મારા ભાઈ-બહેનોનાં શિક્ષણને ટેકો આપી શકું છું, અને મને તેનો ગર્વ છે."

Payal Dharamsibhai Metalia, a 21-year-old Agariya woman who joined SEWA three years ago to train as a full-time solar engineer. (Credit: Oliver Gordon / IHRB)

18 વર્ષની સાનિયા સાલીમભાઈ દિવાન સેવાની ત્રીજી પેઢીની સભ્ય છે જે હવે ગર્વથી પોતાની રોજની કમાણીનાં  ₹400 ($4.66)ની આવકથી તેના મોટા ભાઈની MSc ફીમાં મદદ કરે છે –  આ તેને માટે એક પગલું છે જેની  સેવામાં જોડાતાં પહેલાં તે કલ્પના પણ નહોતી.

મંગુબહેને જોયું છે કે તેમના પાડોશીઓ પોતાની દીકરીઓને તેમની સાથે જોડવા પ્રોત્સાહન આપે છે કારણકે તેમને આશા છે કે તેઓ પણ સેવામાં જોડાશે અને તેમને પણ મંગુબહેન જેવી જ તકો મળશે. તે કહે છે, “મને લાગે છે કે હું એક નવી દુનિયામાં પ્રવેશી છું. હવે હું અદ્રશ્ય નથી. હું મારા અને મારા પરિવાર માટેના નિર્ણયો લઇ શકું છું. અને હું જ્યારે મારા સંતાનોના જીવનમાં ફેરફાર જોઉં છું ત્યારે મને ખબર પડે છે કે હું તેમને માટે બહેતર ભવિષ્ય ઘડી રહી છું.”

સેવાની આ પહેલને કારણે ઘણી બહેનોને ઉચ્ચ શિક્ષણ મેળવવાની, વ્યવસાયિક કારકિર્દી ઘડવાની અને તેમના સમુદાયોમાં સાર્થક યોગદાન આપવાની અને નેતૃત્વ કરવાની ક્ષમતા કેળવવાની પ્રેરણા આપી છે. પાયલ અને સાનિયા બંને પોતાની આવકનો ઉપયોગ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે કરવા ધારે છે. "સેવામાં જોડાતાં પહેલાં અમારાં કોઈ સપનાં પણ નહોતા. હવે, હું એવું ભવિષ્ય જોઉં છું જ્યાં કંઈપણ શક્ય છે," પાયલ કહે છે.

Before we joined SEWA we were seen as helpers in the household, but now we’re seen as contributors."

જ્યારે ઔપચારિક યુનિયનો રાષ્ટ્રીય સ્તરે શ્રમિકોના હકો, વાજબી મજૂરી અને કામકાજની સ્થિતિમાં સુધારો થાય તે માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, ત્યારે અગરિયા જેવા અસંગઠિત ક્ષેત્ર ના કામદારો આ સુરક્ષાથી વંચિત રહે છે. ઔપચારિક યુનિયનોના સમર્થન વગર, અસંગઠિત અર્થતંત્રમાં કામ કરતા કામદારો – ખાસ કરીને બહેનો – શોષણ, સામાજિક સુરક્ષાની ખોટ અને વાટાઘાટ કરવાની શક્તિની અછત જેવી સમસ્યાઓનો સામનો કરે છે. સેવા જેવી સંસ્થાઓ અગરિયાઓ, ફેરિયાઓ અને કચરો ઉપાડનારાઓ જેવા અનૌપચારિક કામદારોને સંગઠિત કરીને આ અંતરને દૂર કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે, તેમને તેમની ચિંતાઓ વ્યક્ત કરવા, સારી મજૂરી માટે વાટાઘાટ કરવા અને તેમના માનવ અને શ્રમિક હકો માટે હિમાયત કરવાનો મંચ પ્રદાન કરે છે.

આંતરરાષ્ટ્રીય ટ્રેડ યુનિયન કન્ફેડરેશન (ITUC)માં આર્થિક અને સામાજિક નીતિનાં ભૂતપૂર્વ ડાયરેક્ટર એલિસન ટેટ મુજબ, "સેવા અને તેના ભાગીદારોએ આ પ્રોજેક્ટ દ્વારા એક શક્તિશાળી મોડેલ સર્જ્યું છે જે સભ્યોને મીઠાના બજારમાં 'ભાવ લેનારાઓ'ના સ્તરેથી 'ભાવ નક્કી કરનારાઓ' બનાવે છે – અને હવે તેઓ ડીઝલના ભાવ પર નિર્ભર નથી. પેઢીઓથી શોષણ થતું હતું તેવી આ સ્ત્રી કામદારો માટે આ એક પાયાના પરિવર્તનનું પ્રતિનિધિત્વ કરે છે. હવે તેમની પાસે આર્થિક શક્તિ અને સન્માન છે, તેમની કામકાજની સ્થિતિ અને ભવિષ્યને બદલવાની શક્તિ છે."

Saniya Salimbhai Divan, an 18-year-old third-generation SEWA member. (Credit: Oliver Gordon / IHRB)

જેને આગળ વિસ્તારી શકાય તેવો ઉકેલ

સુરેન્દ્રનગરના સુકા ભઠ મીઠાના અગરોની પરે, સેવાનું આ મૂળભૂત મોડેલ ભારત અને વિશ્વભરમાં અગણિત સંભાવનાઓ ધરાવનારું છે. આ મોડેલનો સ્પષ્ટ ઉપયોગ બિન-ઔદ્યોગિક મીઠા ઉદ્યોગોમાં થઈ શકે છે, પરંતુ તે નાના પાયે બીજા ઘણા લઘુ-ઉદ્યોગો અને અનૌપચારિક ક્ષેત્રોમાં પણ લાગુ કરી શકાય છે જ્યાં કામદારો જીવન નિર્વાહ માટે માટે અશ્મિભૂત ઇંધણ-આધારિત ઉત્પાદન પર આધાર રાખે છે. આમ, આ મોડેલન પ્રક્રિયામાં વિશ્વના ‘નેટ ઝીરો' તરફના ન્યાયી બદલાવને સુપરચાર્જ કરીને વેગ આપવાની ક્ષમતા છે.

સેવાનો આ મીઠાનો કાર્યક્રમ અગરિયાઓના માનવાધિકાર, જાતીય સમાનતા અને શ્રમિક હકો જળવાય તેની પુરી ચોકસાઈ રાખે છે.

તેમને યુનિયનમાં સંગઠિત કરીને, સેવા તેમને વાજબી વેતન, કામકાજની સારી પરિસ્થિતિઓ અને સુધરેલી સામાજિક સુરક્ષા માટે વાટાઘાટ કરવાનો મંચ પ્રદાન કરે છે.

સેવા કાનૂની સહાય, નાણાકીય સમાવેશ અને સૌર સંચાલિત પંપ જેવા સ્વચ્છ ઊર્જાનાં ઉકેલો આપી તેનાં દ્વારા, સ્ત્રીઓને તેમના કાર્યસ્થળ અને સમુદાયમાં તેમના પોતાના હકો માટે ખડા થવા માટેનું  સશક્તિકરણ કરે છે.

આ કાર્યક્રમ પરંપરાગત શક્તિ-સંતુલનને પડકારીને જેન્ડર સમાનતા (લિંગ સમાનતા)ને પ્રોત્સાહન આપે છે, તે એવી ચોકસાઈ રાખે છે કે સ્ત્રીઓ સાથે માત્ર ન્યાયી વહેવાર કરાય એટલું જ નહીં મીઠું પકવવાના ક્ષેત્રે તેમના હકો માટે આગળ આવીને નેતૃત્વ સંભાળવાની અને હિમાયત કરવાની તક પણ આપવામાં આવે છે.

આ સંગઠન દ્વારા, સેવા સામાન્ય રીતે ઔપચારિક સુરક્ષાથી વંચિત રહેતા લોકોના શ્રમ અધિકારોને મજબૂત બનાવે છે, આમ તેમાં ભાગ લેનારા તમામ માટે તેઓ ગૌરવ અને આદરનું ઘડતર પણ કરે છે.

By offering legal support, financial inclusion and access to clean energy solutions like solar-powered pumps, SEWA empowers the women to assert their rights in their workplace and community. The programme also fosters gender equity by challenging traditional power dynamics, ensuring that women are not only treated fairly but are also given the opportunity to lead and advocate for their own rights in the salt farming sector.

આ પ્રોજેક્ટ દ્વારા એક શક્તિશાળી મોડેલ સર્જ્યું છે જે સભ્યોને મીઠાના બજારમાં 'ભાવ લેનારાઓ'ના સ્તરેથી 'ભાવ નક્કી કરનારાઓ' બનાવે છે – અને હવે તેઓ ડીઝલના ભાવ પર નિર્ભર નથી. પેઢીઓથી શોષણ થતું હતું તેવી આ સ્ત્રી કામદારો માટે આ એક પાયાના પરિવર્તનનું પ્રતિનિધિત્વ કરે છે.

સેવાનો કાર્યક્રમ – જે હજુ પ્રારંભિક તબક્કામાં છે – તેને જો ગુજરાતના કચ્છના રણમાં રહેતા 43,000 અગારિયા પરિવારો સુધી વિસ્તારવામાં આવે, તો NRDCના અંદાજ મુજબ, દર વર્ષે લગભગ 115,000 ટન CO2 ની બચત થઈ શકે છે, જે 25,000 કારને રસ્તેથી દૂર કરવા સમાન છે. પરંતુ આખા ભારતમાં, કેટલાકના અંદાજ મુજબ 150,000 જેટલા અગરિયા હોઈ શકે છે. જોકે આ અંગે હજી અધિકૃત વિશ્લેષણ નથી થયું, પરંતુ જો આ દરેક અગરિયા તેમના ડીઝલથી ચાલતા પંપને સોલર પંપથી બદલી નાખે તો સેવાના પ્રોજેક્ટમાં જોવા મળેલા ઉત્સર્જનમાં ઘટાડો (2.7 ટન CO2 પ્રતિ વર્ષ) જેટલો જ ઘટાડો કરી શકે તો દર વર્ષે લગભગ 400,000 ટન CO2નું ઉત્સર્જન ઘટી શકે.

આ જ રીતે, વિશ્વભરમાં – ખાસ કરીને ચીન, બાંગ્લાદેશ, ઇથિયોપિયા, ઇન્ડોનેશિયા અને સેનેગલમાં – હજારો કારીગરો મીઠાના ખેડૂતો છે. આમાંના ઘણાં અગરિયા ભૂગર્ભમાંથી ખારા પાણી ખેંચી કાઢવા અથવા દરિયા કાંઠે આવેલા અગરોમાંથી ખારા પાણીના વિતરણ માટે પૂરી રીતે અથવા આંશિક રીતે ડીઝલ સંચાલિત પંપો પર આધાર રાખે છે. જો આ બધા ખેડૂતો સૌર ઊર્જાથી ચાલતા પંપ વાપરવાની શરૂઆત કરે તો દર વર્ષે 1 મિલિયન ટનથી પણ વધુ CO2 ઉત્સર્જન અટકાવી શકાય.

સ્ત્રોત: આ આંકડા NRDC-SEWA વિશ્લેષણ પર આધારિત છે. (ડિઝાઇન: સ્ટેફની સ્કાફ્રાથ)

સેવાનું સોલર મોડેલ માત્ર મીઠા ઉદ્યોગ સુધી જ મર્યાદિત નથી. ભારત અને વિશ્વભરમાં બાંધકામ સામગ્રી, કાપડ ઉદ્યોગ, ખેતીકામ જેવા અન્ય ઘણા અશ્મિગત ઇંધણ-આધારિત ક્ષેત્રો આ કાર્યક્રમનો ફાયદો મેળવી શકે છે અને અનૌપચારિક કામદારોની શક્તિને વધારી શકે છે. શર્મા કહે છે, “બીજી ઘણી સંસ્થાઓ હવે વંચિત માઇક્રો-એન્ટરપ્રાઇઝેસ અને નિમ્ન-આવક ધરાવતા લોન લેનારાઓ સાથે સેવા જેવા જ મોડલનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહી છે. વિવિધ ક્ષેત્રોમાં બિઝનેસ મોડેલ જુદા હોય છે, પરંતુ આ મૂળભૂત ઉકેલ એવો છે જેનો વિસ્તાર કરી શકાય છે, તેને લાગુ કરી શકાય છેઃ ઉછીનાં નાણાં લેનારોને ભેગાં કરી લોન લેવા માટે પ્રોત્સાહિત કરવાની ક્ષમતા, વાજબી ધિરાણનો ઉત્પાદક રીતે ઉપયોગ અને સેવા, અશ્મિગત ઇંધણના વિકલ્પ તરફ પરિવર્તન, ગ્રીન સ્કીલ અને નાણાકીય સાક્ષરતાની તાલીમ અને ધિરાણ કરનારાઓ માટે જોખમ ઘટાડવાનું માળખું – અને ધિરાણકર્તાઓ માટે જોખમ ઘટાડાનું માળખું.”

વિકાસશીલ અને વિકસીત અર્થતંત્રોમા મોટાભાગે જોવા મળતા કારીગરી ઈંટોના ભઠ્ઠાઓ ગ્રીન હાઉસ ગેસ (GHG) ઉત્સર્જન અને વાયુ પ્રદૂષણમાં મુખ્ય ફાળો આપે છે. ઈંટના આ ભઠ્ઠા પણ સામાન્ય રીતે નાના પાયે થતી અને અનૌપચારિક કામગીરી હોય છે જે મોટેભાગે અકુશળ કે બિનકાર્યક્ષમ ફાયરિંગ પદ્ધતિઓ અને કોલસા જેવા પ્રદૂષણ ફેલાવનારા ઇંધણો પર આધાર રાખે છે. વિશ્વભરમાં દર વર્ષે લગભગ 1.5 ટ્રિલિયન માટીની ઇંટોનું ઉત્પાદન થાય છે જેમાંથી લગભગ 90 ટકા ઉત્પાદન એશિયામાં થાય છે. ટોચના પાંચ એશિયન ઇંટ ઉત્પાદક દેશોમાં ચાલનારા ઇંટ ઉદ્યોગ દ્વારા ઉપયોગમાં લેવાતા કોલસાને કારણે વૈશ્વિક સ્તરે માનવ સર્જિત CO2 ઉત્સર્જનના કૂલ 1.2% ઉત્સર્જન થાય છે.  તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં જોવા મળ્યું તેમ જો આ ઈંટના ભઠ્ઠાઓને ચલાવવા માટે સૌર ઊર્જાનો ઉપયોગ શરૂ કરાય તો વિશ્વમાં કાર્બન ઉત્સર્જનના ઘટાડાનું જે લક્ષ્ય છે તે પણ ઘટી જઇ શકે છે– જો સેવાનો મોડેલનો ઉપયોગ કરાય તો દક્ષિણ એશિયામાં કામ કરનારા 16 મિલિયન કામદારોનાં જીવનની ગુણવત્તા પણ સુધરી શકે છે.

આ જ રીતે વૈશ્વિક સ્તરે કાપડ ઉદ્યોગ વાર્ષિક GHG ઉત્સર્જનના 3-10% માટે જવાબદાર છે, જેમાં 450 મિલિયન કામદારોમાંથી 35% અનૌપચારિક રીતે ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા દેશોમાં કામ કરે છે - જેમાં 75% સ્ત્રીઓ છે. ઉદાહરણ તરીકે, બાંગ્લાદેશમાં, અંદાજે 7,000 અનૌપચારિક ગાર્મેન્ટ ફેક્ટરીઓ કાર્યરત છે, જે હજારો કામદારોને – ખાસ કરીને સ્ત્રીઓને – સંદિગ્ધ કે અસ્થિર સંજોગોમાં રોજગાર આપે છે. પરંતુ, ટેટના મતે, ગાર્મેન્ટ ફેક્ટરીઓમાં સોલર સહકારી સંસ્થાઓ, ખાસ કરીને છત પરનાં સોલર ઇન્સ્ટોલેશન્સ, કામદારોને વધુ નિયમિત વીજળી, કાપડના કામદારો માટે કામના નિયત કલાકો અને આવક, તેમ જ ઘરે પણ વીજળીની વ્યવસ્થા પૂરી પાડી શકે છે. "આ મોડેલ દક્ષિણ આફ્રિકા (જ્યાં યુનિયનો સામેલ છે), બ્રાઝિલ, સેનેગલ અને ઇન્ડોનેશિયા સહિત વિવિધ દેશોમાં જોવા મળે છે, અને  કામદાર સહકારી સંસ્થાઓ અથવા અન્ય સહયોગી માળખાં દ્વારા અમલમાં મૂકી શકાય છે," તેમ તેમણે જણાવ્યું.

પણ કદાચ સેવાના મોડેલનો સૌથી રોમાંચક ઉપયોગ વિશ્વના નાના-કદનાં ખેતરોમાં ડીઝલથી ચાલતા સિંચાઈ પંપોને બદલવા માટે થઈ શકે છે. વિશ્વભરના 600 મિલિયન નાના પાયાના ખેડૂતો, જે મોટે ભાગે  નીચી-આવક ધરાવતા દેશોમાં છે, તે વિશ્વના એક તૃતીયાંશ ખોરાકનું ઉત્પાદન કરે છે, અને તેમાંથી ઘણાં પોતાના ખેતરોમાં સિંચાઈ માટે ડીઝલથી ચલાતા પંપો પર આધાર રાખે છે. એક સંશોધન મુજબ, સોલર પાવર્ડ સિંચાઈ સિસ્ટમો આ ખેડૂતોના ઊર્જા ખર્ચમાં 80% ઘટાડો કરી શકે છે અને 95% ઘટાડો ઉત્સર્જનમાં કરી શકે છે; અને કેન્યા, ટાન્ઝાનિયા અને યુગાન્ડામાં, ઇન્ટરનેશનલ વોટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ સિસ્ટમોને કારણે વાર્ષિક ઉપજમાં 30-60% વધારો થયો છે. CEEWના સંશોધન અનુસાર ફક્ત ભારતમાં જ અંદાજે 5 મિલિયન સોલર-પાવર્ડ સિંચાઈ પંપો 10 અબજ લિટર ડીઝલ બચાવી શકે છે, જે 26 મિલિયન ટન ઉત્સર્જન ઘટાડે છે.

ચૌધરીનું કહેવું છે કે, "નાના પાયાના ખેડૂતો માટે સોલર સિંચાઈ પંપો માટે આ મોડેલની પહોંચ, તેનો વિસ્તાર બહુ વિશાળ છે, પરંતુ તાલીમ અને ક્ષમતાનું ઘડતર મૂળભૂત જરૂરિયાત છે. મેં ઘણીવાર જોયું છે કે ક્લીનટૅક તૂટી જાય અને પછી તેને ઠીક કરવાવાળું કોઈ નથી હોતું. એટલે તે એમ જ રહે, તેની અવગણના થાય અને ખેડૂતો પોતાના જૂના રસ્તે પાછા ફરતા હોય છે."

તાલીમ અને ક્ષમતાનું ઘડતર મૂળભૂત જરૂરિયાત છે. મેં ઘણીવાર જોયું છે કે ક્લીનટૅક તૂટી જાય અને પછી તેને ઠીક કરવાવાળું કોઈ નથી હોતું, એટલે તે એમ જ રહે, તેની અવગણના થાય અને ખેડૂતો પોતાના જૂના રસ્તે પાછા ફરતા હોય છે.

સેવાનું મોડેલ માત્ર તાલીમના મુદ્દાને જ સંબોધે છે એમ નથી પણ વૈશ્વિક સ્તરે સરકારો સામે જે બીજા સ્તરના પ્રશ્નો આવે છે તેને પણ ઉકેલે છે; જેમ કે નેટ ઝીરો ટ્રાન્ઝિશન માટે ગ્રીન સ્કિલ્સનો અભાવ. ILO મુજબ 2023 સુધીમાં ખાસ કરીને પુનઃપ્રાપત્ય ઊર્જા, ટકાઉ ખેતી અને ઊર્જાની કાર્યક્ષમતા જેવા ક્ષેત્રોમાં 85 મિલિયન ગ્રીન જોબ્ઝની અછત સર્જાય તેવી વકી છે. આ તરફ મંગુબહેન, સાનિયા અને પાયલ જેવાં ગ્રીન સ્કીલ્ડ લોકો દ્વારા સેવા ભારતને કુશળ ટેક્નિશ્યનોની નવી પેઢી પૂરી પાડી રહ્યું છે જે દેશના ગ્રીન ટ્રાન્ઝિશન એટલે કે હરિત સંક્રમણને આગળ ધપાવી શકે છે. ચૌધરી કહે છે, “અનૌપચારિક કામદારો માટે ગ્રીન જોબ્ઝમાં રોકાણ કરવાથી માત્ર ઊર્જાની માંગ પૂરી થાય છે એમ નથી બલ્કે તે વૈશ્વિક સ્તરે નેટ ઝીરો ટ્રાન્ઝિશનને વેગ આપે છે અને ટકાઉ (સસ્ટેનેબલ) અર્થતંત્રમાં નવી તકો ઘડે છે.”

અલબત્ત, આ અસંગઠિત ક્ષેત્રના કામદારોના સશક્ત બનાવવાથી તેમની આર્થિક જરૂરિયાતો પૂરી થાય છે, જેને લીધે વૈશ્વિક અર્થતંત્રને એવા સમયે નોંધપાત્ર પ્રોત્સાહન આપી શકે છે જ્યારે તેની સૌથી વધારે જરૂર છે. હાલમાં અનૌપચારિક ક્ષેત્રના 2 અબજ કામદારો છે, જે વિશ્વની કામ કરનારી વસ્તીના 58 ટકા (ઓછી આવક ધરાવતા દેશમાં 90 ટકા)નું પ્રતિનિધિત્વ કગરે છે. ILO અનુસાર આ કામદારોને ઔપચારિક બનાવવાથી તેમને બહેતર વેતન, અન્ય લાભ અને કાનૂની રક્ષણ મળશે જેથી તેઓ તેમના અર્થતંત્રમાં વધુ અસકારક ફાળો આપી શકે. આમ થાય તો વૈશ્વિક GDPમાં 15 ટકા જેટલો વધારો થઇ શકે અને વૈશ્વિક અર્થતંત્રમાં $6 ટ્રિલિયનનો ઉમેરો થઇ શકે છે. એલિસન ટેટનું કહેવું છે કે, “આ કામદાર વર્ગનું ઔપચારિકી-કરણ એ વાજબી-ન્યાયી પરિવર્તન તથા પર્યાવરણીય ફેરફારોની નકારાત્મક અસરોથી સંવેદનશીલ સમુદાયોના રક્ષણ માટે પાયાની પ્રક્રિયા છે.”

હાર્વર્ડ કેનેડી સ્કૂલમાં પબ્લિક પૉલિસીનાં ભૂતપૂર્વ લેક્ચરર અને WIEGO (Women in Informal Employment: Globalising and Organising) નાં સ્થાપક આંતરરાષ્ટ્રીય સંકોયક માર્થા ચેનનું કહેવું છે કે, “અનૌપચારિક રોજગારમાં કામદારોને સંગઠિત કરવાથી કામદારોને પોતાને, તેમના પરિવારોને અને અર્થતંત્રને મોટા ફાયદા થઈ શકે છે. ભારતના મીઠાના ખેડૂતોથી લઈને લેટિન અમેરિકાના કચરા ચૂંટનારાઓ સુધી, વિશ્વભરમાં અનૌપચારિક કામદારોની સંસ્થાઓ અને નેટવર્ક્સ છે. આ સંસ્થાઓ સામુહિક વાટા-ઘાટો અને નીતિના બદલાવની હિમાયત કરે છે; કેટલીક સંસ્થાઓ આ કામદારોના વ્યવસાયને આગળ ધપાવવા માટે સહકારી મંડળીઓ તરીકે પણ કામ કરે છે.”

હરિયાળું વિશ્વ વાજબી અને ન્યાયી પણ હોવું જોઇએ

જો કે કદાચ સૌથી મહત્વની બાબત એ છે કે આ મોડેલ વિશ્વના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતી 740 મિલિયન બહેનોને ખાસ લાભ આપે છે અને આ બહેનો વિના નેટ ઝીરો પર પહોંચવું કદાચ એક સપનું માત્ર બની રહેશે. ભારત, બાંગ્લાદેશ અને ઇથોપિયા જેવા દેશોમાં આ બહેનો લિંગ, વર્ગ અને જાતિના મુદ્દાઓ સાથે જોડાયેલા શોષણની જાળમાં ફસાયેલી છે – ઉદાહરણ તરીકે, અગારિયાઓ ચુંવાળીયા કોળી જાતિના છે જેને ગુજરાત સરકાર દ્વારા ‘અન્ય પછાત વર્ગ’ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. છતાં આવી સ્ત્રીઓ મોટેભાગે પ્રદૂષણ ન કરતા રસોઈના ચૂલા, સોલર સિંચાઈ પદ્ધતિઓ અને સોલર સંચાલિત સીવણ મશીનો જેવા પર્યાવરણના અગ્રણી ઉકેલોના સાવ છેલ્લા સ્તરના વપરાશકાર હોય છે.  આ ઉકેલોનો વિસ્તાર, તેમની પહોંચનો ઉપયોગ અશ્મિગત ઈંધણને આધારે વર્તમાન અર્થતંત્રની અસમાનતાઓ યથાવત્ રહે તે માટે નહીં પણ આ બહેનોને સામાજિક અને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે થવો જોઇએ. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદા અંતર્ગત દરેક સ્થળે બહેનોને ભેદભાવ મુક્ત જીવન જીવવાનો અધિકાર. શિક્ષણ અને આરોગ્યનો અધિકાર, સંપત્તિની માલિકીનો અધિકાર, કામ કરવાનો અધિકાર અને સમાન તકોનો અધિકાર છે.

ચૌધરી કહે છે, “જો આપણે 2050 સુધીમાં નેટ ઝીરો સુધી પહોંચવા માટે, તે સિદ્ધિ માટે ગંભીર હોઈએ તો આપણએ એ સ્વીકારવું જ રહ્યું કે અનૌપચારિક અર્થતંત્રમાં કામ કરતી સ્ત્રીઓ પાસે જ આ મુદ્દાનો ઉકેલ છે. આ સ્ત્રીઓ જ સોલર ઊર્જાથી માંડીને હરિયાળી ખેતી સુધાં વિવિધ ક્ષેત્રોમાં પુનઃ પ્રાપ્ય તકનીકોને અમલમાં મૂકશે. જો આપણે તેમને પાછળ છોડી દઇશું તો આપણે નેટ ઝીરોના મુકામે ક્યારેય નહીં પહોંચીએ.”

અગરિયા બહેનો પાસેથી મીઠું પકવવામાં સૌથી વધુ શ્રમદાયક અને કઠોર કામ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. (ક્રેડિટ: ઓલિવર ગોર્ડન / આઇએચઆરબી)

અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતી સ્ત્રીઓને મોટેભાગે ઊર્જાની સવલતો, તકનીકો અપનાવવાની અને નાણાકીય સેવાઓને લગતા નિર્ણયોની કામગીરીથી બાકાત રાખવામાં આવે છે. સેવાનું મોડેલ તેમને ફક્ત ગ્રીન ટેક્નોલૉજી અપનાવવા માટે નહીં પણ તેમની માલિકી અને આખી પ્રક્રિયા પર નિયંત્રણ મેળવવા માટે પણ સશક્ત બનાવે છે અને તે બાબતની ચોકસાઇ રાખે છે તેમાંથી મળતા તમામ લાભ પણ આ સ્ત્રીઓ સુધી પહોંચે. આનાથી માત્ર તેમની આવકોમાં જ નહીં પણ તેમના સામાજિક દરજ્જામાં પણ વધારો થાય છે જેથી તેઓ આર્થિક સ્તરે હાંસિયામાંથી બહાર આવીને નેતૃત્વ અને આર્થિક સ્વાવલંબનની સ્થિતિ તરફ આગળ વધે છે.  આર્થિક યોગદાન આપવાની અને પોતાના કુટુંબ માટે નિર્ણય લેવાની ક્ષમતા એ સ્ત્રીઓ માટે લિંગ સમાનતા અને સમાન અધિકારોનું એક મહત્વપૂર્ણ ઘટક છે.  સેવાના આવા સામૂહિક કાર્યવાહી મોડેલો એવી તમામ બહેનોને એક સહિયારો અવાજ પૂરો પાડે છે જેમને અન્ય સંજોગોમાં તેમના જ ભવિષ્યને ઘડનારી નીતિને લગતા સંવાદોમાં ચૂપ કરી દેવામાં આવત.

ચૌધરી કહે છે, “બેનિન જેવા દેશો તેમના સોલર સિંચાઈ કાર્યક્રમોમાં બહેનોને કેન્દ્રમાં રાખવાની સમજ દર્શાવી રહ્યા છે. હરિયાળું વિશ્વ વાજબી અને ન્યાયી વિશ્વ પણ હોઈ શકે છે; જેન્ડર ન્યૂટ્રલ એટલે કે લિંગને મામલે તટસ્થ અભિગમ હશે તો તે વર્તમાન વંશવેલાને સાચવવાનું કારણ પણ બની શકે છે.”

હરિયાળા બદલાવમાં, હરિયાળા સંક્રમણમાં એ તાકાત છે જેનાથી તે કાં તો  અશ્મિગત ઇંધણથી ચાલતા આવેલા  ભૂતકાળના અર્થતંત્ર સાથે જોડાયેલા લિંગ આધારિત અન્યાયને સુધારશે અથવા તો તેને કાયમી બનાવશે. બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપના અંદાજે 2030 સુધીમાં સ્ત્રીઓ વૈશ્વિક સ્તરે હરિયાળી રોજગારી એટલે કે ગ્રીન જૉબ્ઝમાં માત્ર 25 ટકા હિસ્સો ધરાવતી હશે. ચૌધરીએ જણાવ્યું કે, “હરિયાળું સંક્રમણ એ સામાજિક પરિવર્તનની તક છે. અશ્મીગત ઇંધણ આધારિત અર્થતંત્ર મોટેભાગે પુરુષ-પ્રધાન ક્ષેત્રો તરફ દોરી જનારું હતું, જેમાં મોટે ભાગે એવાં ઉદ્યોગો હતા જે મોટી માત્રામમાં ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન કરનારા હતા અને જેમાં ઓછો કાર્બન ઉત્પન્ન થાય તેવા વિકલ્પો તરફનું પરિવર્તન અઘરું હતું. પણ હવે હરિત અર્થતંત્ર આ અસંતુલનને સુધારવાની તક તરીકે ઉભરી રહ્યું છે. બહેનો પરિવર્તનમાં મોખરે હોઇ શકે છે અને તેઓ આ બદલાવ, હરિત રોજગારીના ફાયદાઓની સમાન વહેંચણી થાય તેની તકેદારી રાખી ભવિષ્યનું ઘડતર કરી શકે છે.”

નેટ ઝીરોએ પહોંચવાનો બદલાવ ન્યાયી અને સમાવેશી હોવો જોઇએ; એ બદલવામાં, એ સંક્રમણમાં એ બાબતની તકેદારી રખાવી જોઇએ કે ઐતિહાસિક રીતે જે હંમેશા હાંસિયામાં ધકેલાઇ ગયા છે તે માત્ર આ પ્રક્રિયાના સહભાગી નહીં પણ આ તેમાં આગેવાન પણ હોવા જોઇએ. અશ્મીગત ઇંધણ આધારિત અર્થતંત્રના બંધારણીય લિંગવાદને સંબોધવાથી માત્ર સ્ત્રીઓને જ નહીં પણ આખા સમાજને ફાયદો થઇ શકે છે. આ બહેનોમાં હરિત બદલાવના સક્ષમ પ્રતિનિધિ બનીને તેને આગળ ધપાવવાની અને વૈશ્વિક સ્તરે પર્યાવરણીય લક્ષ્યો સિદ્ધ કરી શકાય તેની તકેદારી રાખવાની ક્ષમતા રહેલી છે. કવાત્રા કહે છે, “સેવાના મોડેલથી ફક્ત સ્ત્રીઓને જ ફાયદો થાય છે તેવું નથી. આ સ્ત્રીઓ દ્વારા ખડું થયેલું મોડેલ છે પરંતુ છે તો સમગ્ર પરિવાર માટે. આપણે અનેકવાર જોયું છે કે સ્ત્રીઓ હરિત બદલાવની ઉત્તમ પ્રતિનિધિ બની શકે છે.”

SEWA holds rallies in rural villages to create awareness of climate change. (Credit: Oliver Gordon / IHRB)

ખરેખર તો વૈશ્વિક સંશોધનો અનુસાર મહિલા આગેવાનો પર્યાવરણને લગતી પહેલ અને ટકાઉ બાબતોને વધુ સહકાર આપે છે. જેમ કે, જે દેશોની સંસદમાં વધુ સંખ્યામાં સ્ત્રીઓ છે તે દેશો પર્યાવરણીય કરારોમાં સુધારા અને પર્યાવરણીય બદલાવને સંબોધતી નીતિઓને અપનાવવામાં વધુ મોટો હિસ્સો ધરાવે છે. સંશોધન અનુસાર, ખાનગી ક્ષેત્રોમાં જે કંપનીઓના બોર્ડમાં સ્ત્રીઓનો વધુ હિસ્સો હોય તેઓ ઊર્જા કાર્યક્ષમતા સુધારવા, પર્યાવરણ પર સંસ્થાગત પ્રભાવને ઘટાડવા અને પૂનઃપ્રાપ્તય ઊર્જામાં રોકાણ કરવામાં વધુ સક્રિય હોય છે.

વળી તેની એક આર્થિક અનિવાર્યતા પણ છેઃ વર્લ્ડ બૅંકનો અંદાજ છે કે રોજગાર અને ઉદ્યોગ સાહસિકતામાં લિંગ ભેદને દૂર કરવાથી વૈશ્વિક GDPમાં 20 ટકા જેટલો વધારો થઇ શકે છે. જ્યારે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા સ્ત્રીઓની આવડત અને ક્ષમતાનાં ‘ખોટા વિતરણને’ સુધારવાની પહેલને વર્ગિકૃત કરી તેને ઉત્પાદન ક્ષમતા વધારવાનની શૈલી તરીકે ગણાવી છે. અનૌપચારિક ક્ષેત્રના કામદારોને, ખાસ કરીને સ્ત્રીઓને ઔપચારિક બનાવી તેમને હરિત અર્થંત્રમાં ભાગ લેવા સશક્ત બનાવીને રાષ્ટ્રો એક બહુ મોટી આર્થિક સંભાવના ખડી કરી શકે છે, સાથે લિંગ સમાનતાને પણ આગળ ધપાવી શકે છે.

સંગઠનને કારણે બહેનો પોતાને માન્યતા મળે તેની માગ કરવા, પોતાની કામ કરવાની સ્થિતિ સુધારવા અને અંતે બહેતર આર્થિક અને સામાજિક પરિણામ સુનિશ્ચિત કરવા માટે સશક્ત બનાવે છે. આમ કરવામાં તેઓ શ્રમિકોના હકને પણ એ રીતે પ્રોત્સાહન આપે છે જે રીતે ઔપચારિક સંગઠનો – (યુનિયનો) તેમના સભ્યો માટે ઔપચારિક ક્ષેત્રમાં કરે છે. અસંગઠિત કામદારોને સંગઠિત કરીને સેવા તેમના શ્રમ અધિકારોનું સન્માન થાય અને તે સિદ્ધ થાય તે સુનિશ્ચિત કરવામા મદદ કરે છે, જે અંતે આ બહેનોને તેમના સમુદાયો અને બાકીના વ્યાપક શ્રમિકો માટેને બજારોમાં તેમની પોતાની સ્થિતિ સુધારવાની તક પુરી પાડે છે.

"અમે તે ભૂલોમાંથી શીખ્યા"

જે લોકો અગરિયાઓ કે અસંગઠિત ક્ષેત્રના કામદારો કે બહેનો માટે આ મોડેલ અપનાવવા ઇચ્છતા હોય તેમણે અમુક ચાવીરૂપ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે; એવા પાઠ જે સેવા અને તેના સહભાગીઓ કઠિન અનુભવોમાંથી શીખ્યા.

મોંઘા સોલર માળખા માટે ખર્ચવી પડતી શરૂઆતી મૂડી અને તેને માટે જરૂરી નાણાં લાવવા માટે કોઈ પારંપરિક ધિરાણની સવલતનો અભાવ આ પ્રોજેક્ટને ખડો કરવામાં પહેલાં અને મુખ્ય અવરોધ હતા. દવે કહે છે, “અમને ખબર હતી કે તકનીક જિંદગી તો બદલી જ નાખશે પણ પૈસા વગર એ થવાનું નહોતું. સ્ત્રીઓ પાસે કોમર્શિયલ બૅંકોમાંથી લોન મેળવવા માટે જરૂરી બાંયધરી નહોતી.”

આ પ્રશ્નને પાર પાડવા માટે સેવા અને આઇએફસીએ મળીને કામદારોનું સહકારી મોડેલ ખડું કર્યું જેમાં સ્ત્રીઓએ ભેગાં મળીને તેમનાં આર્થિક સ્રોત એકઠાં કરીને સોલર માળખા માટે ભંડોળ એકઠું કર્યું, આ એક મિશ્ર આર્થિક સંસાધન હતું જેમાં જોખમ બહુ ઓછું હતું અને આમ કરવામાં સ્ત્રીઓને વ્યક્તિગત લોન લેવાની જરૂરિયાત ન પડી, આર્થિક બોજ પણ સૌમાં સહિયારો વહેંચાઇ ગયો – વળી સાથે સાથે સ્ત્રીઓને સોલર સિસ્ટમ પર માલિકીનો અધિકાર પણ આપ્યો. ક્વાત્રા કહે છે, “સમુદાય અને સામૂહિક માલિકીની શક્તિનો ઉપયોગ કરવાની ક્ષમતામાં જ સેવાના નાણાકીય મોડેલની નવીનતા રહેલી છે.”  સેવાની સૌથી નિર્ણાયક ભૂમિકા હતી તમામ બેંકોને એવા પરિવારોને લોન આપવા માટે તૈયાર કરવી જે પરિવારોને તેઓ પહેલાં ‘અનબૅંકેબલ’ – બૅંકિંગ માટે લાયક ન હોય તેવાં – ગણતાં હતાં. ક્વાત્રાના મતે આમાં સ્ત્રીઓ માટે  KYC ('નો યોર કસ્ટમર')ના દસ્તાવેજો પૂરા પાડવા, માંગને એકઠી કરવામાં અને સ્ત્રીઓની અત્યારની આવકની શૈલી સાથે મેળ ખાય તે રી તે ચુકવણીનો સમય વગેરેને કસ્ટમાઇઝ કરવા જેવાં પગલાં પણ સામેલ હતાં.

ભારતનો નિયમનકારી અને નીતિગત લેન્ડસ્કેપ શરૂઆતનો બીજો મોટો પ્રશ્ન હતો. જ્યારે આ કાર્યક્રમ ગોઠવાઇ રહ્યો હતો ત્યારે પૂનઃપ્રાપ્ય ઊર્જાના પ્રોજેક્ટ્સ માટે ઊર્જા નીતિઓ અને સબસીડી ઉપલબ્ધ હતાં પણ તે સેવાના પ્રોજેક્ટ જેવા નાના કદનાં સમુદાયની માલિકીના પ્રોજેક્ટ માટે નહોતા. દવે કહે છે, “અમે જાણે ઢાળ પર મોટો પથરો ચઢાવી રહ્યા હોય એવી સ્થિતિમાં હતા. નીતિઓ મોટી કોર્પોરેટ કંપનીઓ માટે બનાવવામાં આવી હતી, અમારા જેવા નાના સહકારી સંગઠનો માટે નહીં. પરંતુ અમે અમલદારશાહીને અમારા માર્ગે નહોતા આવવા દેવાના.”

આ સમસ્યાના ઉકેલ માટે સેવા અને NRDCએ એક વર્ષ કરતાં વધુ સમય સુધી નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (Ministry of New and Renewable Energy - MNRE) અને સ્થાનિક ઊર્જા અધિકારીઓ સહિતની સરકારી એજન્સીઓ સમક્ષ આ અંગે પ્રચાર કર્યો, આ પ્રોજેક્ટની હિમાયત કરી. તેમનો ઉદ્દેશ હતો કે સમુદાયની માલિકી હેઠળના સોલર પ્રોજેક્ટને નવીનીકરણીય ઊર્જા સબસિડી યોજનામાં સમાવાય અને સોલર પાર્કને રાષ્ટ્રીય ગ્રીડ સાથે જોડવાની મંજૂરી મળે. કવાત્રા કહે છે, “નીતિમાં રાતોરાત પરિવર્તનો નથી થતાં. પરંતુ સેવાની નાના ઉત્પાદક માટેની વકીલાત કરવાની ક્ષમતા, ઊર્જા નીતિમાં કામદારોની આગેવાનીની પહેલને કેન્દ્રમાં મૂકવાની અગત્યતા દર્શાવે છે. આ પૂનઃપ્રાપ્ય ઊર્જા સરળતાથી મળી શકે તે માટે આ એક બહુ મોટો ફેરફાર હોઇ શકે છે, ખાસ કરીને એ લોકો માટે જેને તેની સૌથી વધુ જરૂર છે.’

Although SEWA’s project is aimed at women, Agariya men are also allowed to attend any of the training or workshops. (Credit: Oliver Gordon / IHRB)

વળી આ બહેનોમાં કોઇપણ પ્રકારનું તકનીકી કૌશલ્ય નહોતું, તેમાંની કોઈપણ સ્ત્રીએ સોલર ટેક્નોલૉજી કે તેને મળતી આવતી કોઈપણ ચીજ સાથે જરાય કામ નહોતું કર્યું. પરિણામે તાલીમ કાર્યક્રમો વ્યવહારુ અને સરળ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા જેથી કામદારો સાવ પહેરેથી પોતાની તકનીકી ક્ષમતા ઘડી શકે. સેવાએ સાથે એક માર્ગદર્શનનું મોડેલ પણ ઉમેર્યું જેમાં તકનીકી તાલીમ પામેલાઓ નવા શીખાઉ સાથીઓને માર્ગદર્શન આપતાં. સમયાંતરે આ અભિગમથી સ્વાવલંબનના માહોલને પ્રોત્સાહન મળ્યું અને કામાદારોને ટેક્નોલૉજી ચલાવવાની પોતાની ક્ષમતા પર વિશ્વાસ મળ્યો. પાયલ યાદ કરે છે કે, “જ્યારે અમે પહેલીવાર પેનલ ફિટ કર્યા ત્યારે કંઇપણ બરાબર નહોતું થયું, ઘણી બધી ભૂલો થઇ હતી અને અમે અકળાઇ ગયા હતાં. પણ તાલીમને કારણે બહુ ફેર પડ્યો. અમે એ ભૂલોમાંથી શીખ્યા અને હવે કોઈની પણ મદદ વિના એ સિસ્ટમને સંભાળવાની મારી ક્ષમતા પર મને આત્મવિશ્વાસ છે.”

પણ પ્રોજેક્ટ માટે સૌથી કઠિન પડકાર અગરિયા સમુદાયમાં  પૂરતો વિશ્વાસ પેદા કરવાનો હતો. અગરિયાઓ લાંબા સમયથી આ પ્રદેશમાં હાંસિયામાં ધકેલાયેલો સમુદાય જ રહ્યા છે, બ્રિટિશ સામ્રાજ્યવાદી શાસકોએ તેમને ગુનેગાર જનજાતિ તરીકે પણ ઓળખાવ્યા હતા, પરિણામે બહારનાં લોકો પર તેમને ઝડપથી વિશ્વાસ નથી બેસતો.  આ માટે જ્યારે સેવાએ પરિવારની સ્ત્રીઓને – જે પરંપરાગત રીતે પુરુષોના રક્ષણ હેઠળ જ હોવી જોઇએ એમ મનાય છે - તેમને પોતાની સાથે માઇલો દૂર કોઇ શૈક્ષણિક કાર્યક્રમમાં લઇ જવાની વાત કરી ત્યારે સ્વાભાવિક રીતે જ સમુદાયમાં લોકોને ખાસ્સી એવી શંકા ગઇ. બગઇ કહે છે, “પોતાના કુટુંબની સ્ત્રીઓને ગામ છોડીને બીજે ક્યાંક તાલીમ લેવા માટે જવા દે એ માટે સમુદાયનો વિશ્વાસ ખડો કરવો એ જ સૌથી મોટો પડકાર હતો. કાર્યક્રમનાં પહેલાં બે વર્ષ ખૂબ મુશ્કેલ હતા.”

બગઇ અને બીજા લોકોને સમજાયું કે આ વિશ્વાસ જીતવો પડશે. મોટા પાયે અમલીકરણમાં કોઈ ઉતાવળ કરવાને બદલે તેમણે ધીમે ધીમે આગળ વધવાનો માર્ગ અપનાવ્યો. પહેલાં તેમણે પાયલટ પ્રોજેક્ટથી શરૂઆત કરી જેથી કામદારોને સોલર ટેક્નોલૉજીના ફાયદાનો સીધો અનુભવ થાય. વળી સૌથી મહત્વની બાબત એ હતી કે તેમણે અગરિયા પુરુષોને કોઈપણ તાલીમ, વર્કશોપ અથવા મીટિંગમાં હાજરી આપવાની પણ મંજૂરી આપી, જેથી તેઓ પોતે જોઇ શકે કે સ્ત્રીઓ સલામત છે અને અગત્યના કૌશલ્ય શીખી રહી છે.  ધીરે ધીરે તાલીમ પછીની સફળ વાતો અને તાલીમ માટેનો ઉત્સાહ સમુદાયના લોકોમાં આપમેળે ફેલાવા માંડ્યો અને લોક મ્હોંએથી પહોંચેલી વાતોને કારણે કાર્યક્રમને એક વણથંભ્યો અને મજબૂત વેગ આપ્યો. સાનિયા કહે છે, “એકવાર અમે જોયું કે તેનાથી અમારા જીવનમાં કેટલો ફરક પડ્યો પછી અમે એ વાત અમારા પાડોશીને કરી. ફક્ત આગેવાનો નહીં પણ દરેક કામદારે એક પ્રતિનિધિ કે રાજદૂતની માફક વાત આગળ વધારી.”

ટૂંકમાં સેવાના મોડેલનું પુનરાવર્તન કરવા ઇચ્છનારા માટે કેટલાંક સરળ પગલાં છેઃ સ્થાનિક વચ્ચે વિશ્વાસ સ્થાપવો અને તેમની જરૂરિયાતો અનુસાર જે પણ ઉકેલ હોય તે ભેગાં મળીને તૈયાર કરવો; તમારી પરિસ્થિતિમાં એ ઉકેલ કેવી રીતે કામ કરે છે તેનો સ્થાનિક પુરાવો ખડો કરો;  સબસિડીઝ અથવા આર્થિક માળખાં તેમને સરળતાથી મળી શકે તેની ખાતરી કરવી; બૅંક અને સમુદાય વચ્ચે કડી તરીકે કામ કરી શકે તેવી સંસ્થાઓ દ્વારા નાણાકીય સમાવેશ થાય તેની તકેદારી રાખવી;  સ્થાનિક ક્ષમતાઓ વિકસાવવી, એટલે કે એવા લોકોમાં રોકાણ કરવું જે લાંબા સમય સુધી સતત આ પ્રોજેક્ટ પર કામ કરી શકે; અને અસરકારક ટેક્નોલોજી,  અને ધીરજપૂર્વક કામ કરતી સંસ્થાઓ, નાણાકીય માધ્યમ અને સક્ષમ સરકારી નીતિઓને એકત્ર કરવી, તેમનું સંયોજન કરવું. એકવાર તમારો વિચાર પુરવાર થઇ જાય અને લોકો તેનાં આર્થિક લાભ જુએ પછી સબસિડી ધીરે ધીરે ઘટાડી શકાય છે.

ભવ્ય યોજનાઓ

સદ્ભાગ્યે સેવા કોઈ રીતે ધીમી નથી પડતી. આગામી પાંચ વર્ષમાં ગુજરાતના 10,000 અગરિયાઓ સુધી આ કાર્યક્રમનું વિસ્તરણ કરવાનું સેવાનું લક્ષ્ય છે અને બાદમાં તેને આખા ભારતમાં વિસ્તારવાનો છે. નાણાવટીએ જણાવ્યું કે, “અમે આ પરિવર્તન દેશનાં તમામ અગરિયાઓ અને અન્ય ક્ષેત્રો એટલે કે ખેતી તથા કચરાના રિસાયકલિંગ વગેરેમાં પણ વિસ્તારવા માગીએ છીએ. અમારું લક્ષ્ય વધુ મોટું, સમાવિષ્ટ અને સહકારી મોડેલ બનાવવાનું છે જે સ્ત્રીઓને તેમના ઊર્જા સ્રોતો અને તેમના ભવિષ્ય પર નિયંત્રણ મેળવવા માટે સશક્ત બનાવે.”

આ સિદ્ધિ મેળવવામાં મદદ કરવા માટે સેવા સરકારને તેમની સત્તાવાર “જસ્ટ ટ્રાન્ઝિશન” નીતિમાં અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરી રહેલી સ્ત્રીઓને સમાવવા અને મીઠાનું લઘુતમ ભાવ નક્કી કરવા માટે અપીલ કરી રહી છે – જે રીતે સરકાર અન્ય ઔપચારિક ખેતી સંબંધિત ઉત્પાદનો વગેરે ક્ષેત્રો માટે કરે છે. સંસ્થા તેના કાર્બન ક્રેડિટના ઉપયોગને પણ મોટે પાયે વિસ્તારવા ધારે છે. UNEP પણ અત્યારે ReNew કંપની સાથે મળીને ગુજરાતના કચ્છના રણમાંથી શરૂ કરીને ભારતના અન્ય બે રાજ્યોમાં પણ મીઠાના આ પ્રોજેક્ટને વિસ્તૃત કરવાની ચર્ચા કરી રહ્યું છે. તેઓ ઉમરે છે, “અમે બે નોન-સોલ્ટ – મીઠા સિવાયના ક્ષેત્રોમાં પણ આ મોડલ અજમાવવાનો વિચાર કરી રહ્યાં છીએ.”

આ મૂલ્યવાન યોજના સામે સૌથી મોટો પડકાર છે – પર્યાવરણીય પરિવર્તન – ક્લાઇમેટ ચેન્જ. નાણાવટી કહે છે, “હવે સમયાંતરે વધી રહેલા ગરમ પ્રવાહો, બિનમોસમી વરસાદ અને કુદરતી આફતોને કારણે મીઠાનું ઉત્પાદન સતત કરવું મુશ્કેલ બન્યુ છે, જેને કારણે આખું બિઝનેસ મોડેલ જ જોખમાઇ જાય છે.”

આ છતાં સવાના આ મોડેલને વિકાસના અન્ય કાર્યક્રમોમાં પણ સામેલ કરી રહી છે. તેમાં સૌથી અગત્યનો છે હરિયાળી ગ્રામ કાર્યક્રમ. NRDC અને ભારતના નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (MNRE) સાથે સહકારમાં સેવા આ પ્રોજેક્ટ હેઠળ નાના ખેડૂતો અને ગ્રામ્ય સમુદાયોને માટે એક સંપૂર્ણ ક્લાઇમેટ સોલ્યુશન પૅકેજ આપે છે — જેમાં સોલર પાવર્ડ સિંચાઈ, એલઇડી લાઇટ્સ, ઊર્જા કાર્યક્ષમ પંખા, સ્વચ્છ રસોઈ માટે બાયોગેસ પ્લાન્ટ, ઘરની ગરમી ઘટાડવા કૂલ રૂફ્સ, પાણી બચાવતી સિંચાઈ પદ્ધતિઓ, ખેતીમાં ઉપયોગી સોલર ટ્રેપ લાઇટ્સ અને સોલર ફોડર સિસ્ટમ્સ સામેલ છે. કવાત્રા કહે છે, “આ ભવિષ્યનાં મોડેલ ગામડાં બનાવવાની વાત છે.”

ઊર્જા કાર્યક્ષમતા અને સોલરને લગતી ટેકનિકલ તાલીમ સાથે સાથે સ્ત્રીઓને ટકાઉ ખેતીની પદ્ધતિઓની પણ તાલી આપવામાં આવે છે જેને કારણે ઉત્પાદનશીલતા અને આર્થિક સુરક્ષા બંનેમાં વધારો થાય છે. હાલમાં આ કાર્યક્રમ વિવિધ રાજ્યોનાં 100 જેટલા ગામડાઓમાં અમલમાં મૂકાઇ રહ્યો છે.

A gathering of SEWA members at an event for the Hariyali Gram programme. (Credit: Oliver Gordon / IHRB)

આ જ રીતે 2021માં સેવાએ મીઠાના પ્રોજેક્ટના મોડેલનો ઉપયોગ કરીને ભારતના કચરો ઉપાડનારા 2.5 લાખ શ્રમિકોને ટકો આપવા માટે એક નવો કાર્યક્રમ શરૂ કર્યો હતો. તેમાં સોલ સંચાલિત સાધનોની મદદથી કચરાને વધુ કાર્યક્ષમ રીતે જુદો પાડી શકાય અને તેને લગતી પ્રક્રિયા થઇ શકે, વળી પર્યાવરણ પર કચરો ઉપાડવાની પ્રક્રિયાની અસર ઓછી થાય અને કામાદારોની સ્થિતિમાં સુધારો થાય.

ReNew  કંપની હવે પોતાની રીતે દેશના અન્ય હિસ્સાઓમાં પોતાન સોલર ટ્રેઇનિંગ કાર્યક્રમ વિસ્તારી રહી છે. કંપનીએ કોલસાની ખાણમાં કામ કરતા કામદારોને સોલર ટેક્નિશ્યન તરીકે તાલીમ આપવા માટે આવો જ કાર્યક્રમ શરૂ કર્યો છે અને તેમણે 100 સ્ત્રીઓને તાલીમ આપી છે, અને હવે તેઓ સ્ત્રી માછીમારો જેવા અન્ય વંચિત જૂથો માટે નવા કાર્યક્રમો વિકસાવી રહ્યા છે. સિંહા ઉમેરે છે કે, “અમે આગામી બે વર્ષમાં 2000 સ્ત્રીઓને તાલીમ આપવાનું લક્ષ્ય રાખ્યું છે અને અમે ત્યાં સુધી અટકીશું નહીં જ્યાં સુધી ઓછામાં ઓછા 50 ટકા દેશને ગ્રીન-સ્કીલ્ડ બનાવી દઇએ.”

અગરિયાઓના કાર્યક્રમને વિદેશમાં પણ ભારે પ્રસંશા મળી છે. વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, NGO અને ફિલાન્થ્રોફીની સંસ્થાઓ હવે ઓછી આવક ધરાવતા દેશોમાં અનૌપચારિક ક્ષેત્રના કામદારોને ટેકો આપવા માટે આ મોડેલનો ઉપયોગ કરવા માગે છે. 2020માં સેવાને યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) દ્વારા 'જસ્ટ એનર્જી ટ્રાંઝિશન' ની પહેલ માટે ભાગીદાર તરીકે પસંદ કરવામાં આવી હતી હતું, જે સંવેદનશીલ પ્રદેશોમાં સમાન અને ટકાઉ ઊર્જા પરિવર્તનને પ્રોત્સાહન આપે છે. આ સહયોગનો ઉદ્દેશ છે વૈશ્વિક સ્તરે અનૌપચારિક ક્ષેત્રના કામદારોને સ્વચ્છ ઊર્જા સરળતાથી મળતી રહે અને તેમ કરવામાં સેવાનું સહકારી મોડેલ સ્ત્રીઓના સશક્તિકરણ માટે, અશ્મિગત ઇંધણ પરની તેમની નિર્ભરતા ઓછી કરવા માટે એક પાયારૂપ વ્યૂહરચના તરીકે ઉપયોગમાં લેવાય.

જ્યારે 2023માં હિલેરી ક્લિન્ટને ગુજરાતના મીઠાના અગરોની મુલાકાત લીધી ત્યાર બાદ ક્લિન્ટન ફાઉન્ડેશને સેવાના મોડેલને ઓછા આવકવાળા અન્ય દેશોમાં પણ પહોંચાડવા કરવા માટે 50 મિલિયન ડોલરનાં ‘ગ્લોબલ રિઝિલિયન્સ ફંડ’ની જાહેરાત કરી હતી. આ ભંડોળનો હેતુ છે સ્ત્રીઓને સશક્ત બનાવવી અને તેમને એટલી ક્ષમતા આપવી કે તે ક્લાઇમેટ ચેન્જ – પર્યાવરણીય પરિવર્તન સામે લડી શકે. એ માટે તેમને વાજબી અને નવા પ્રકારે આર્થિક સુવિધાઓ મળી રહે અને સ્ત્રીઓને ઔપચારિક નાણાકીય વ્યવસ્થાઓમાં જોડાવાની તક મળે. શર્માએ જણાવ્યું કે, “હાલમાં તો તેની શક્યાઓનું અવલોકન ચાલી રહ્યું છે અને અમને આશા છે કે આ વર્ષે અમે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી શકીશું.”

સેવા આંતરરાષ્ટ્રીય આખા આફ્રિકામાં અનૌપચારિક ક્ષેત્રના કામદારો સુધી સોલર આંત્રપ્રિન્યોર મોડેલનો વિસ્તાર કરાવના હેતુથી સોલર અલાયન્સ સાથે પણ વાટાઘાટો કરી રહી છે. ક્વાત્રાએ કહ્યું કે, “સેવાના આ મોડેલમાં લોકોની રૂચી સતત વધી રહી છે કારણકે એ તળિયેથી શરૂ થયેલું, કામદારો દ્વારા ચલાવાતું મોડેલ છે – જે આર્થિક રીતે સફળ અને સામાજિક રીતે પરિવર્તનકારી પુરવાર થયું છે. આ એક એવું મોડેલ છે જે વિવિધ પરિસ્થિતિઓમાં અપનાવી શકાય – તે ગુજરાતના અગરિયા હોય, આફ્રિકાના ખેડૂતો હોય કે દક્ષિણ પૂર્વ એશિયાની સ્ત્રીઓ હોય.”

આ છતાં જ્યારે આ મોડલના ઉપયોગનો વિસ્તાર થાય તે માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે તેની કેટલીક ન ગમતી અસરો પણ વિચારી જોઇએ. ચૌધરી તેનું જોખમ દર્શાવતા કહે છે, “જ્યારે આવા કાર્યક્રમોનો વ્યાપ વધે ત્યારે પાણીના વધતા ઉપયોગ અને સોલ ઇ-વેસ્ટ (ઇલેક્ટ્રોનિક કચરો) જેવી બાબતો પણ ધ્યાનમા રાખવી જરૂરી છે. ભવિષ્યમાં આ એક સમસ્યા બની શકે છે અને માટે જ ટકાઉ ઉપયોગ અને રિસાયકલિંગ જેવી યોજનાઓ હોવી આવશ્યક છે – અત્યારે ગ્લોબલ સાઉથના ઊર્જાના પરિવર્તનમાં આ મુદ્દાઓ પર પૂરતું ધ્યાન નથી અપાતું.”

ખરેખર તો દુનિયાની નેટ-ઝીલો ઉત્સર્જનનની લડાઈ માટેનો કોઈ એક જાદુઇ ઉપાય છે જ નહીં. તેમ છતાં સેવાનો મીઠાના ઉત્પાદન ક્ષેત્રનો આ કાર્યક્રમ એ સાબિત કરે છે કે સમૂહની શક્તિ, સહિયારી માલિકીની સાથે નવીનીકરણીય ઊર્જાના પ્રયાસોને સફળતાપૂર્વક મોટા પાયે વિસ્તારી શકાય છે – અહીં માત્ર શ્રમિકોને તેમના ઊર્જા સ્ત્રોતો પર માલિકી આપવાની વાત નથી, પરંતુ તે સ્ત્રીઓને પોતાના સમુદાયમાં આગેવાની નિભાવવાની તક પણ પૂરી પાડે છે. સેવાનું મોડેલ તેનું જીવંત ઉદાહરણ છે કે સ્વચ્છ ઊર્જા મેળવવી અને સ્ત્રીઓનું સશક્તિકરણ બંન્ને સાથે થઇ શકે તેવી બાબત છે.

રોબિન્સન અંતે કહે છે, “ક્લાઇમેટ ચેન્જ માત્ર પર્યાવરણનો મુદ્દો નથી – તે માનવાધિકારનો મુદ્દો પણ છે. ‘જસ્ટ ટ્રાન્ઝિશન’ એટલે એવા અવરોધો દૂર કરવાના જેને કારણે સમાજના સૌથી સંવેદનશીલ લોકો પણ ઉકેલ શોધવાની પ્રક્રિયામાં સહભાગી બની શકે. સેવાનું મોડેલ દર્શાવે સ્ત્રી શક્તિનો પ્રભાવ દર્શાવે છે – તેમાં કોઇ ઊંચ-નીચ એટલે કે હાયરાર્કી નથી તે વહેવારુ, સહકાર અને સહયોગથી બનેલું અને એકતાવાળું છે. પણ સૌથી અગત્યની વાત એ છે કે તેનું નેતૃત્વ ભલે સ્ત્રીના હાથમાં છે પણ તે માત્ર સ્ત્રીઓ માટે નથી – આખા સમાજને લાભ આપનારું છે.”

ધ્રાંગધ્રા નજીકના કોમ્યુનિટી સોલર પાર્કમાં અગરિયા સોલર ટેક્નિશ્યનોને મળી રહેલાં મેરી રોબિન્સન – સેવા અને પ્રોજેક્ટ ડેન્ડિલિયન વચ્ચે પર્યાવરણીય ઉકેલોમાં સ્ત્રીઓની ભૂમિકા વધારવાના હેતુ ભાગીદારી કરાઇ છે. (સૌજન્યઃ ઑલિવર ગોર્ડન / આઇએચઆરબી)

આજે રાત્રે જમવા બેસો અને જમવામાં મીઠું ઉમેરવા માટે સૉલ્ટ શેકર ઉપાડો ત્યારે જરા વાર માટે આ સાદી વસ્તુએ તમારા ટેબલ સુધી પહોંચવા માટે જે સફર કરી છે તેને વિશે વિચારજો.  આપણી રોજિંદી જિંદગીનો સહજ રીતે ભાગ બનેલી આ ચીજને જોઇને એવું લાગતું નથી કે તેમાં કેટલાય અજાણ્યા મજૂરોની અદ્રશ્ય મહેનત છૂપાયેલી છે – એવાં લોકોની, જેમણે દુનિયાના સૌથી કઠોર કામકાજના સંજોગોમાં પરિશ્રમ કર્યો છે. પરંતુ ગુજરાતમાં દૂર આવેલ મીઠાના અગરોમાં કામ કરતા કેટલાક શ્રમિકો માટે એક પરિવર્તન શરૂ થયું છે – એવું પરિવર્તન જે માત્ર વિશ્વ આખાના અનૌપચારિક ક્ષેત્રના કામદારો માટે અને તેમના સમુદાયો માટે જ નહીં પણ પર્યાવરણીય પરિવર્તનની વૈશ્વિક લડત માટે પણ આશા પૂરી પાડે છે.

મંગુબહેન કહે છે, “પહેલાં મને લાગતું કે મીઠાના અગરની અને મા દેવાની કેદી છું, હવે મને મુક્ત લાગે છે – પ્રદુષણથી મુક્ત, દેવાથી મુક્ત. હું કોઇ મોટી ઘટનાનો હિસ્સો છું, એવી ઘટના જે દુનિયા બદલી શકે છે.”

Manguben (far right) and her sisters next to their family’s solar panels. (Credit: Oliver Gordon / IHRB)